આમચી મુંબઈ

પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયેલો આરોપી રાજસ્થાનમાં પકડાયો

મુંબઈ: વિદેશી ચલણ સસ્તામાં આપવાની લાલચે કથિત ઠગાઈ કરવાના કેસમાં ધરપકડ કરાયેલો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો. જોકે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને રાજસ્થાનથી ફરી પકડી પાડ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-9ની ટીમે આરોપી મોહમ્મદ ફાયક ઈસહાર હુસેન (30)ને રાજસ્થાનના કોટા શહેરમાંથી પકડી પાડ્યો હતો. બુધવારે મુંબઈ લાવવામાં આવ્યા પછી આરોપીને ડી. એન. નગર પોલીસના તાબામાં સોંપાયો હતો.

અધિકારીના જણાવ્યા મુજબ ગોરેગામમાં રહેતા મુસા નાગોરીની અંધેરીમાં ચાની દુકાન આવેલી છે. 1 ડિસેમ્બર, 2023ના રોજ આરોપી નાગોરીની દુકાનમાં આવ્યો હતો અને તે કાપડના કારખાનામાં નોકરી કરતો હોવાનું કહ્યું હતું. પરિચિત એક મહિલા પાસે દુબઈનું ચલણ દિરહામ હોવાનું અને તે સસ્તામાં આપવા માગતી હોવાનું કહ્યું હતું.

નક્કી થયા મુજબ 14 ડિસેમ્બરે મુસા તેના પુત્ર સાથે અંધેરી પશ્ર્ચિમમાં ગામદેવી ડુંગર નજીક આરોપીને મળ્યો હતો. તે સમયે આરોપી સાથે એક મહિલા પણ હતી. અઢી લાખ રૂપિયા આપીને મુસાએ દુબઈની કરન્સી લીધી હતી. થોડા અંતરે ગયા પછી મુસાના પુત્રએ જોતાં કરન્સી વચ્ચે પેપર કાપીને ગોઠવ્યા હોવાનું નજરે પડ્યું હતું.

આ પણ વાંચો : સુરત ક્રાઈમ બ્રાન્ચે રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો, 12થી વધુ ગંભીર ગુનામાં આરોપી

પિતા-પુત્ર તાત્કાલિક પાછા ડુંગર નજીક આવ્યા ત્યારે આરોપી અને મહિલા ત્યાંથી રફુચક્કર થઈ ગયાં હતાં. આ પ્રકરણે નાગોરીએ ડી. એન. નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-2ના અધિકારીઓએ કાંદિવલીના લાલજીપાડા પરિસરમાંથી આરોપી હુસેનને તાબામાં લીધો હતો. વધુ તપાસ માટે તેને ડી. એન. નગર પોલીસને સોંપાયો હતો. પોલીસની ટીમ સોમવારે સવારે અંધેરીના પોલીસ લૉકઅપમાં લઈ જઈ રહી હતી ત્યારે આરોપી ફરાર થઈ ગયો હતો.

ફરાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-9ના અધિકારીઓએ શોધ હાથ ધરી હતી. સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ અને ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી આરોપી રાજસ્થાનમાં હોવાની ખાતરી કરાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજસ્થાન જઈ આરોપીને પકડી પાડ્યો હતો

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button