જેએનપીટી ખાતે કન્ટેનરમાંથી રૂ. 14.67 કરોડની સિગારેટ જપ્ત
મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ની ટીમે નવી મુંબઈમાં ન્હાવા શેવા બંદર પર કન્ટેનરમાં છુપાવેલી રૂ. 14.67 કરોડની 86 લાખથી વધુ સિગારેટો જપ્ત કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ન્હાવા શેવા બંદર પર પહોંચેલા 40 ફૂટના ક્ધટેઇનરને સીએફએસ (કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન્સ) પર સોમવારે આંતરવામાં આવ્યું હતું.
મંગળવારે કન્ટેનરની તપાસમાં જાણવા મળ્યું હતું કે શિપિંગ દસ્તાવેજોમાં જાહેર કરાયેલી વસ્તુને બદલે આખું કન્ટેનર સિગારેટથી ભરાયેલું હતું. આ સિગારેટો ગેરકાયદે અંદર લઇ જવામાં આવી હોવાની આશંકા છે.
સિગારેટ પીવી નાગરિકોના આરોગ્ય માટે જોખમી છે. ઉપરાંત દેશના સ્વાસ્થ્ય માળખા પર બોજ પડે છે. આથી સરકાર દ્વારા આવી વસ્તુ પર વધારે ડ્યૂટી લાદવામાં આવે છે. આ ડ્યૂટી બચાવવા અને નિયમો સાથે બાંધછોડ કરવા માટે તંબાકુ સંબંધિત ઉત્પાદનોની આયાત કરવા માટે ભ્રષ્ટ લોકો આવી વસ્તુઓની દાણચોરી જેવી પ્રવૃત્તિઓ કરતા હોય છે.
કસ્ટમ્સ એક્ટની સંબંંધિત જોગવાઇઓ હેઠળ રૂ. 14.67 કરોડની 86 લાખથી વધુની સિગારેટો જપ્ત કરવામાં આવી હોઇ આ પ્રકરણે તપાસ ચાલી રહી છે. (પીટીઆઇ)