ડોંબિવલીમાં મિત્ર સાથે રૂ. 8.17 લાખની છેતરપિંડી: મહિલા વિરુદ્ધ ગુનો

થાણે: ડોંબિવલીમાં મૃત પિતાની જીવન વીમાની રકમમાંથી કટકી આપવાની લાલચે મિત્ર સાથે રૂ. 8.17 લાખની ઠગાઇ આચરવા પ્રકરણે 38 વર્ષની મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
ડોંબિવલીના વિષ્ણુનગર પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે બુધવારે નોંધાવાયેલી ફરિયાદને આધારે સોનિયા સુરેશ નાયર વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરાયો હતો.
સોનિયા નાયરે તેના મિત્રનો સંપર્ક સાધીને જણાવ્યું હતું કે તેના મૃત પિતા પાસે રૂ. 88 લાખની ઇન્શ્યૂરન્સ પોલિસી હતી. આ રકમ જોઇન્ટ બેન્ક એકાઉન્ટમાં ફ્રીઝ કરવામાં આવી છે.
સોનિયાએ મિત્રને કહ્યું હતું કે પોલિસીની રકમ મેળવવા એક્ટિવેશન ફી ચૂકવવા તેને રૂ. 8.17 લાખની જરૂર છે. રકમ મળતાં તેમાંથી હિસ્સો આપવાનું તેણે મિત્રને વચન આપ્યું હતું.
મિત્રએ જુલાઇ, 2023થી જાન્યુઆરી, 2024 દરમિયાન સોનિયાને રૂ. 8.17 લાખ ઓનલાઇન ચૂકવ્યા હતા. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની ધરપકડ કરવામા આવી નથી, એમ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)