શૅર ટ્રેડિંગમાં રોકાણ પર છ મહિનામાં બમણાં નાણાંની લાલચે છેતરપિંડી: દંપતી સામે ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શૅર ટ્રેડિંગમાં રોકાણ કરેલી રકમ છ મહિનામાં બમણી કરી આપવાની લાલચે અનેક લોકો સાથે કથિત છેતરપિંડી કરવાના આરોપસર પોલીસે મુલુંડના દંપતી સામે ગુનો નોંધ્યો હતો.
થાણેના ઘોડબંદર રોડ ખાતે રહેતા અને ભાંડુપમાં સ્વિચ ગિયર પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય ધરાવતા પંકજ શર્માએ નોંધાવેલી ફરિયાદને આધારે મુલુંડ પોલીસે શુક્રવારે યતીન ગુડકા અને તેની પત્ની મિત્તલ ગુડકા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો: શૅર ટ્રેડિંગમાં આકર્ષક વળતરની લાલચે છેતરપિંડી: બે પકડાયા
પોલીસ ફરિયાદ અનુસાર શર્મા અને યતીન ગુડકા એક જ સ્કૂલમાં ભણ્યા હોવાથી તેમની નાનપણથી ઓળખ હતી. જોકે 2018માં એક મિત્રની મદદથી બન્ને મિત્ર પાછા મળ્યા હતા. તે સમયે ગુડકાએ શૅરબજારમાં રોકાણ પર ઊંચા વળતરની વાતો કરી હતી.
બાદમાં સમયાંતરે ગુડકા વિવિધ સ્કીમ અંગે શર્માને જાણ કરતો હતો. આખરે ગુડકાની વાતોમાં આવી શર્માએ 2019માં તેના મારફત 15.20 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ સ્કીમ અનુસાર રોકાણ કરેલી મૂડી છ મહિનામાં બમણી કરી આપવાની લાલચ ફરિયાદીને અપાઈ હતી.
આ પણ વાંચો: રૂ. 252 કરોડના મેફેડ્રોનની જપ્તિનો કેસ: મુખ્ય આરોપીએ ડ્રગ્સ વેચીને મેળવેલી 3.46 કરોડની રોકડ હસ્તગત કરાઇ
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે 2020માં વ્યવસાયમાં નાણાંની જરૂર હોવાથી ફરિયાદીએ ગુડકા પાસે પોતાની મૂડી માગી હતી. શરૂઆતમાં ઉડાઉ જવાબ આપનારા ગુડકાએ ફરિયાદીને ચેક આપ્યા હતા, જે બૅન્કમાં બાઉન્સ થયા હતા. આ મામલે ફરિયાદીએ સેશન્સ કોર્ટમાં અરજી કરી. કોર્ટે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવાનો આદેશ પોલીસને આપ્યો હતો. કોર્ટના આદેશ પછી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.