થાણેની પ્રતિષ્ઠિત સ્કૂલમાં ચાર વર્ષની દીકરીની જાતીય સતામણી કરાઇ: માતા-પિતાનો આક્ષેપ…

થાણે: થાણેમાં આવેલી પ્રતિષ્ઠિત સ્કૂલમાં પોતાની ચાર વર્ષની પુત્રીની જાતીય સતામણી કરવામાં આવી હોવાનો આક્ષેપ માતા-પિતા દ્વારા કરાયા બાદ પોલીસે આ મામલે તપાસ આદરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસમાં નોધાવેલી ફરિયાદમાં માતા-પિતાએ આક્ષેપ કર્યો હતો કે સ્કૂલ પરિસરમાં 30 જુલાઇના સવારે 11.15થી બપોરે 3.00 વાગ્યા દરમિયાન તેની પુત્રીની બ્લ્યુ રંગના કપડાં પહેરેલા શખસે જાતીય સતામણી કરી હતી.
આ ફરિયાદને ગંભીરતાથી લઇને પોલીસે તપાસના ભાગરૂપે સ્કૂલના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ. જોકે પ્રારંભિક સીસીટીવી ફૂટેજની તપાસમાં કોઇ શંકાસ્પદ હિલચાલ જોવા મળી નથી.
અમે તપાસનો અવકાશ વિસ્તારી રહ્યા છીએ જેથી કોઇ કડી બાકી ન રહે. આ કેસમાં સ્કૂલના સત્તાવાળાઓ પોલીસને સહકારી આપી રહ્યા છે, એમ પણ અધિકારીએ કહ્યું હતું. સ્કૂલના કર્મચારીઓનાં નિવેદન નોંધવામાં આવી રહ્યા છે અને એ વિસ્તારના સાક્ષીઓ પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે, એમ તેમણે કહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે થાણે જિલ્લાના બદલાપુરમાં સ્કૂલના ટોઇલેટમાં ઑગસ્ટ, 2024માં સફાઇ કર્મચારી દ્વારા બે બાળકીની જાતીય સતામણી કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે લોકોમાં આક્રોશ ફેલાયો હતો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ ગુનામાં સંડોવણી બદલ સફાઇ કર્મચારી અક્ષય શિંદેની ધરપકડ કરવામાં આવી હતી, જેને બાદમાં પોલીસ વાહનમાં લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે પોલીસ એન્કાઉન્ટરમાં શિંદે ઠાર થયો હતો. (પીટીઆઇ)
આ પણ વાંચો…સગીર દીકરીઓની જાતીય સતામણી કરનાર નરાધમ બાપને કોર્ટે ફટકારી આટલા વર્ષની કેદ