લોકલ ટ્રેનના કોચ અલગ થવા મુદ્દે રેલવેના ચાર કર્મચારીને આ કારણસર કર્યા સસ્પેન્ડ

મુંબઈ: પશ્ચિમ રેલવેમાં મરીન લાઇન્સ રેલવે સ્ટેશન નજીક એક લોકલ ટ્રેનના (ડબ્બાનું કપલિંગ નીકળી જવાને કારણે) ડબ્બાઓ અલગ થઇ જવાની ઘટના રવિવારે સવારે બની હતી ત્યારે આ લોકલના મેઇન્ટેનન્સના ઇન્ચાર્જ કર્મચારીઓને કથિત બેદરકારી માટે ચાર કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે લોકલના ત્રીજા કોચનું કપલિંગ બરાબર લગાવવામાં આવ્યું નહોતું. કપલર્સ સામાન્ય રીતે કોચના છેલ્લા ભાગમાં લગાવવામાં આવે છે અને તમામ ડબ્બાઓ જોડીને એક ટ્રેન તૈયાર થતી હોય છે. આ કપલર્સ બ્રેક સાથે જોડાયેલા હોય છે. ટ્રેન કારશેડમાં ન જાય ત્યાં સુધી આ કપલર્સ દૂર કરવામાં આવતા નથી. જો કપલર ફેઇલ થઇ જાય તો અકસ્માત થવાની શક્યતા રહે છે. આ કોચનું ૧૫ દિવસનું મેઇનટેનન્સ ૧૭મી ઓક્ટોબરે અને વીકલી મેઇન્ટેનન્સ ૨૧મી ઓક્ટોબરે પૂર્ણ થયું હતું.
આ પ્રકરણે જે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં એક વરિષ્ઠ સુપરવાઇઝર અને ત્રણ ટેક્નિશિયન્સનો સમાવેશ થાય છે તેઓ કાંદિવલી કારશેડમાં કાર્યરત હતા. પશ્ર્ચિમ રેલવે દ્વારા તપાસ પૂરી કરાયા બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે અને ત્યાર પછી સંબંધિત કર્મચારીઓ સામે યોગ્ય તે કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના બાદ પશ્ચિમ રેલવેએએ તમામ કોચની ચકાસણી કરવાનો આદેશ આપ્યો હતો.