હવાની ગુણવત્તાના સર્વેક્ષણ માટે ચાર મોબાઈલ વૅનનો ઉપયોગ થશે
મોબાઈલ વૅનની ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા અમલમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના જુદા જુદા ટ્રાફિક બેટ અને ડમ્પિંગ ગ્રાઉન્ડના ઠેકાણે હવાની ગુણવત્તાનું સર્વેક્ષણ કરવા માટે તેમ જ નાગરિકોની વાયુ પ્રદૂષણની ફરિયાદને ધ્યાનમાં રાખીને વાયુ પ્રદૂષણનું સર્વેક્ષણ કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા ઓટોમેટિક ઍર ક્વોલિટી સર્વે મોબાઈલ વૅનનો ઉપયોગ કરવાની છે.
મુંબઈના ઍર ક્વોલિટી ઈન્ડેક્સના વાસ્તવિક ડેટાની નોંધ આ ફરતી મોબાઈલ વૅનની મદદથી કરવામાં આવશે. આ વૅન મારફત ઉપલબ્ધ થનારી માહિતી લૅબોરેટરીના માધ્યથી ભેગી કરવામાં આવશે. આ મોબાઈલ વૅન નાગરિકોની પ્રદૂષણ વિશેની ફરિયાદના અનુસંધાનમાં ઍર ક્વોલિટી ઈન્ડેક્સના સર્વેક્ષણ કરવા માટે વાપરવામાં આવશે.
મુંબઈમાં હવાની ગુણવત્તા સુધારવા માટે લાંબા ગાળાની અને તાત્કાલિક ધોરણે ઉપાયયોજના પાલિકાના માધ્યમથી અમલમાં મૂકવામાં આવી છે. મુંબઈના જુદા જુદા ઠેકાણે વાયુ પ્રદૂષણની નોંધ લઈ શકાય તે માટે ફરતા સર્વેક્ષણ વાહનો વાપરવાની સૂચના પાલિકા કમિશનર અને પ્રશાસક ડૉ. ઈકબાલસિંહ ચહલે આપી હતી.
પાલિકાના ડેપ્યુટી કમિશનર (પર્યાવરણ) મિનેશ પિંપળેએ જણાવ્યું હતું કે નાગરિકોની ફરિયાદને તાત્કાલિક ધોરણે નિવારણ લાવવા માટે ફરતા વાહન મારફત ઉપલબ્ધ થનરી માહિતી ઉપયોગી સાબિત થવાની છે. તેમ જ પ્રશાસનને પણ આ વાહનના માધ્મયથી મળનારી માહિતીનો ઉપયોગ થશે. પરિણામે પ્રદૂષણ નિયંત્રણ માટે યોગ્ય પગલા અમલમાં મૂકવા માટે આંકડા ઉપયોગી સાબિત થશે.
ઑટોમેટિક ઍર ક્વોલિટી સર્વે મોબાઈલ વૅનની મદદથી મુંબઈના જુદાજુદા વિસ્તારમાં હવાની ગુણવત્તાની વર્તમાન સ્થિતી વિશે સચોટ માહિતી મળી શકશે. મુંબઈમાં વધતી જતી વાયુ પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ શોધવાની પ્રક્રિયામાં ભાગીદારી કરી શકાશે. આબોહવા પરિબળો એટલે કે તાપમાન, સાપેક્ષ ભેજ, પવનની ગતિ અને દિશા વગેરે વિશેની માહિતી મેળવી શકાશે. પ્રદૂષણ નિયંત્રણની સુવિધા આપીને સ્વચ્છ અને હરિયાળું મુંબઈનું સપનું સાકાર કરી શકાશે એવો દાવો પાલિકા પ્રશાસને કર્યો હતો.
પાલિકાના પર્યાવરણ વિભાગ અંતર્ગત વાયુ વિવિધતા સર્વેક્ષણ અને સંશોધન પ્રયોગશાળા કાર્યરત છે. આ પ્રયોગશાળા દ્વારા વાતાવરણીય વાયુ પ્રદૂષણ માપવામાં આવે છે. પાલિકા અધિનિયમ ૧૮૮૮ની કલમ ૬૩ બી હેઠળ દર વર્ષે ૩૧ જુલાઈ પહેલાં પર્યાવરણીય સ્થિતિનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે અને પાલિકા પ્રશાસનને સોંપવામાં આવે છે. રિપોર્ટમાં છેલ્લા ત્રણ વર્ષના ઍર ક્વોલિટી સર્વે રિપોર્ટ તેમ જ અન્ય વિભાગોની પર્યાવરણ સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે.