નાંદેડમાં ખોદકામ વખતે મંદિરના પાયા મળ્યા

છત્રપતિ સંભાજી નગર: મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના હોટ્ટલ ગામમાં ચાલી રહેલા ખોદકામ દરમિયાન પુરાતત્વ વિભાગને ભગવાન શંકરના મંદિરના પાયા મળી આવ્યા હતા, એવી પુરાતત્વ ખાતા વિભાગના અધિકારીએ માહિતી આપી હતી.
ચાલુક્ય યુગથી હોટ્ટલ ગામ મંદિરો માટે પ્રખ્યાત છે. આ ખોદકામમાં કોતરણી ધરાવતા ત્રણ ખડકો મળી આવ્યા છે જેની પર ઈ. સ. 1070ની આસપાસ આ મંદિરોના બાંધકામમાં મદદરૂપ થયેલા દાતાઓની વિગતો જણાવવામાં આવી છે એમ અધિકારીએ જણાવ્યું હતું. આ વિસ્તાર એ સમયે કલ્યાણી ચાલુક્યની રાજધાની હતો અને જટિલ શિલ્પોથી શણગારેલા મંદિર સંકુલ માટે પ્રખ્યાત છે.
આમાંના કેટલાક ઐતિહાસિક મંદિરો પર ચાલી રહેલા સાચવણીના કાર્યના ભાગ રૂપે, પુરાતત્વ વિભાગના અધિકારીઓની એક ટીમે પુનઃસ્થાપના દરમિયાન કાટમાળ સાફ કરતી વખતે મંદિરના પાયા શોધી કાઢ્યા હતા.
પુરાતત્વ ખાતાના નાંદેડ વિભાગના ઈનચાર્જ અમોલ ગોટેએ જણાવ્યું હતું કે ‘શિવલિંગ સાથેના શંકર ભગવાનના મંદિરના પાયા શોધી કાઢવા ખાસ્સું ખોદકામ કરવામાં આવ્યું હતું. વધુમાં, અમને નોંધપાત્ર સંખ્યામાં ઇંટો મળી છે, જે દર્શાવે છે કે અહીં મંદિરના નિર્માણમાં ઇંટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.’