મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે મુંબઈમાંથી અપક્ષ તરીકે ચૂંટણી લડશે?
એનએસઈ ફોન-ટેપિંગ કેસના સંબંધમાં 1986-બેચના નિવૃત્ત આઈપીએસ અધિકારી સંજય પાંડેની જૂન 2022માં ધરપકડ કરવામાં આવી હતી.

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ડીજીપી (ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ) સંજય પાંડે મુંબઈની ઉત્તર-મધ્ય મુંબઈ સંસદીય બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા છે.
ઉદ્ધવ ઠાકરેના નજીકના ગણાતા પાંડેની નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) ફોન-ટેપિંગ કેસના સંબંધમાં કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જૂન 2022માં ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તેઓ મુંબઈ પોલીસ કમિશનર હતા, ત્યારે ઠાકરે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા.
પાંડે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું વિચારી રહ્યા છે કારણ કે આ વિસ્તાર (મુંબઈ ઉત્તર-પશ્ચિમ)ના ઘણા નાગરિકો આ બેઠક પરથી ચૂંટણી લડવાનો આગ્રહ કરી રહ્યા છે. મુંબઈ પોલીસ કમિશનર તરીકેના તેમના ટૂંકા કાર્યકાળ દરમિયાન તેમણે લીધેલા વિવિધ નિર્ણયોમાં તેમના ‘નાગરિકોનો પ્રથમ અભિગમ’ માટે ખૂબ વખાણ કરાયેલા પાંડેએ જણાવ્યું હતું કે આ અંગે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.
1986-બેચના નિવૃત્ત ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) અધિકારી પાંડેએ કહ્યું હતું કે તેઓ યોગ્ય સમયે ચૂંટણી લડવા અંગે અંતિમ નિર્ણય લેશે. તેમણે કહ્યું હતું કે માત્ર શિક્ષિત ઉમેદવાર જ પરિવર્તન લાવી શકે છે.
ભાજપે ઉજ્જવલ નિકમને મેદાનમાં ઉતાર્યા છે. કૉંગ્રેસે મુંબઈ ઉત્તર-મધ્ય લોકસભા બેઠક પરથી કોંગ્રેસના મુંબઈ અધ્યક્ષા વર્ષા ગાયકવાડને ઉમેદવાર બનાવ્યા છે.
18 ફેબ્રુઆરી, 2022 ના રોજ મુંબઈ પોલીસ કમિશનર તરીકે નિયુક્ત પાંડે એ જ વર્ષે 30 જૂને સેવામાંથી નિવૃત્ત થયા. આઈઆઈટી-કાનપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી પાંડેની એનએસઈ ફોન ટેપિંગ કેસના સંબંધમાં અનુક્રમે જુલાઈ અને સપ્ટેમ્બર 2022માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેણે લગભગ પાંચ મહિના જેલના સળિયા પાછળ વિતાવ્યા હતા.
દિલ્હી હાઈકોર્ટે 8 ડિસેમ્બર, 2022ના રોજ તેમને ઈડીના મની-લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા હતા.
મુંબઈના અન્ય ભૂતપૂર્વ ટોચના પોલીસ અધિકારી અને 1979-બેચના અરૂપ પટનાયક પણ ઓડિશામાંથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. 2015માં નિવૃત્ત થયેલા અરૂપ પટનાયકને સત્તાધારી નવીન પટનાયકની આગેવાની હેઠળની બીજુ જનતા દળ (બીજેડી) દ્વારા પાર્ટીના ગઢ પુરીમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
2014માં, ભૂતપૂર્વ મુંબઈ પોલીસ કમિશનર સત્યપાલ સિંહ 1980-બેચના આઈપીએસ પણ ઉત્તર પ્રદેશના બાગપતથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.