
પુણે: રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન તાનાજી સાવંતના પુત્ર રિશીરાજ સાવંતનો પુણે ઍરપોર્ટ પહોંચ્યા પછી સંપર્ક ન થઈ શકતાં પોલીસની દોડધામ વધી ગઈ હતી. રિશીરાજનું ઍરપોર્ટથી અપહરણ કરવામાં આવ્યાના નનામા કૉલ પછી પોલીસ તેની તપાસમાં લાગી હતી તો ખુદ તાનાજી સાવંત કહે છે કે રિશીરાજ મિત્રો સાથે ફરવા ગયો છે. જોકે પ્રધાન પાસે પણ તેમનો પુત્ર ક્યાં ગયો અને કોની સાથે ગયો તેની કોઈ વિગતો ન હોવાથી આ મુદ્દે વિવિધ ચર્ચાએ જોર પકડ્યું હતું.
Also read : વિદેશથી 8.15 કરોડના ગાંજાની સ્મગલિંગ: એરપોર્ટ પરથી 2 પ્રવાસી પકડાયાં…
મળતી માહિતી અનુસાર સોમવારની સાંજે પોલીસ ક્ધટ્રોલ રૂમને અજાણ્યા શખસે કૉલ કરી પુણે ઍરપોર્ટથી 32 વર્ષના રિશીરાજ સાવંતનું અપહરણ કરવામાં આવ્યું હોવાની માહિતી આપી હતી. સ્વિફ્ટ કારમાં આવેલા ચાર જણે રિશીરાજનું અપહરણ કર્યાના અહેવાલ ફેલાવા લાગ્યા હતા.
દરમિયાન રિશીરાજનો સંપર્ક ન થતાં શિવસેનાના નેતા તાનાજી સાવંતનો પણ જીવ અધ્ધર થઈ ગયો હતો. રિશીરાજ તેની હંમેશની કારમાં ન ગયો હોવાનું જાણવા મળતાં પોલીસ તપાસમાં લાગી હતી.
જોઈન્ટ પોલીસ કમિશનર રંજન કુમાર શર્માએ જણાવ્યું હતું કે રિશીરાજ સાવંત પુણેના લોહગાંવ વિસ્તારમાંથી ફ્લાઈટમાં ગયો હોવાની માહિતી અમને મળી છે. જોકે તે ખરેખર ક્યાં અને કોની સાથે ગયો તેની માહિતી અમે મેળવી રહ્યા છે.
દરમિયાન આ પ્રકરણે સિંહગડ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી.
પોલીસ કમિશનર ઑફિસમાં આ પ્રકરણે અધિકારી પત્રકારોને માહિતી આપી રહ્યા હતા ત્યારે તાનાજી સાવંત ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે રિશીરાજ ગુમ થયો નથી કે તેનું અપહરણ પણ થયું નથી. તે મિત્રો સાથે ગયો છે. રિશીરાજ ક્યારેય બહાર જાય તો પરિવારજનો અથવા તેના મોટા ભાઈને જાણ કરીને જતો હતો. આજે તે કોઈનેય કહ્યા વિના ગયો છે. પોતાની કાર છોડીને તે બીજી કારમાં ગયો છે એટલે અમને ચિંતા થઈ હતી.
Also read : સીએમ ફડણવીસની રાજ ઠાકરે સાથેની મુલાકાતથી રાજકીય વર્તુળોમાં ચર્ચા
અત્યારે જ ડ્રાઈવરે અમને કહ્યું કે તે પુણે ઍરપોર્ટથી ચાર્ટર્ડ ફ્લાઈટમાં ગયો છે, એવું સાવંતે કહ્યું હતું. જોકે પુત્ર ચાર્ટર્ડ ફ્લાઈટમાં ગયો છે કે રેગ્યુલર તેની ખાતરી અંગે પૂછતાં સાવંત સ્પષ્ટ ઉત્તર આપી શક્યા નહોતા. પુત્ર ક્યાં ગયો છે તેની પણ વિગતો તેમની પાસે નહોતી.