આમચી મુંબઈમહારાષ્ટ્ર

મલ્ટિનેશનલ ફર્મના ભૂતપૂર્વ એમડી સાથે રૂ. 4.80 કરોડની ઓનલાઇન છેતરપિંડી

થાણે: ડ્રગ્સની તસ્કરીમાં સંડોવણીનો આરોપ કરી તેમ જ પોલીસ કાર્યવાહીની ધમકી આપીને મલ્ટિનેશનલ કંપનીના 67 વર્ષના ભૂતપૂર્વ એમડી (મેનેજિંગ ડિરેક્ટર) સાથે રૂ. 4.80 કરોડની ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવી હતી. થાણે પોલીસના સાયબર સેલે આ પ્રકરણે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ શનિવારે ગુનો દાખલ કર્યો હતો.

આરોપીઓએ પોતાની ઓળખ સેન્ટ્રલ એજન્સીના અધિકારી તરીકે આપી હતી અને ધાકધમકી આપીને ફરિયાદીની બેન્કની ગોપનીય માહિતી મેળવી લીધા બાદ પૈસાની ઉચાપત કરી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ફરિયાદીને તાજેતરમાં આરોપીનો કૉલ આવ્યો હતો. ફરિયાદીને કહેવામાં આવ્યું હતું કે એક અગ્રણી કુરિયર કંપનીની કસ્ટમ્સ ઓફિસમાં તાઇવાનથી આવેલું તમારા નામનું પાર્સલ આંતરવામાં આવ્યું છે, જેમાં એમડીએમએ સહિત અમુક ડ્રગ્સ, એક્સપાર્યડ થયેલા નવ પાસપોર્ટ અને ક્રેડિટ કાડર્સ મળી આવ્યાં છે.

આરોપીએ ફરિયાદીને કહ્યું હતું કે તમારા આધાર કાર્ડનો નંબર સહિત અંગત માહિતી મારી પાસે છે. તમારી વિરુદ્ધ અંધેરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. તેમાં ધરપકડ વોરન્ટ જારી કરાવવામાં આવશે અને તમારી સામે મની લોન્ડરિંગ તથા ડ્રગ્સ તસ્કરીના પ્રતિબંધિત કાયદાની જોગવાઇઓ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જો આ કાર્યવાહીથી બચવું હોય તો એક વીડિયો કૉલિંગ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, એવી સૂચના તેણે આપી હતી.

આરોપીઓએ નકલી લોગો સાથે સેન્ટ્રલ એજન્સીના અધિકારી તરીકે ફરિયાદીને વિશ્ર્વાસ બેસાડી તેમને આ કેસમાંથી બહાર કાઢવાનું આશ્ર્વાસન આપ્યું હતું.

બાદમાં ફરિયાદી પાસેથી તેમના બેન્ક એકાઉન્ટની વિગતો, ડેબિટ કાર્ડ નંબરો અને સીવીવી સહિત સંવેદનશીલ માહિતી મેળવી લીધી હતી. ફરિયાદીએ પુણે અને થાણેના મુરબાડમાં તેમની મિલકતના વ્યવહારની વિગતો પણ આરોપીઓને આપી દીધી હતી.

બાદમાં આરોપીએ ફરિયાદીની અંગત વિગતો માગી હતી અને અનધિકૃત લેણદેણ કરી હોવાથી આરબીઆઇ એ ખાનગી બેન્કને પણ તેમના વ્યવહાર અંગે શંકા છે, એવું કહીને તેમને ગભરાવ્યા હતા. ત્યાર બાદ આરોપીએ કાર્યવાહીથી બચવા માટે પોતાની પત્નીના બેન્ક એકાઉન્ટમાં રૂ. એક કરોડ ટ્રાન્સફર કરવાનુંં કહ્યું હતું. દરમિયાન ફરિયાદીએ યુકેમાં પોતાના પુત્રને ફોન કરીને આની જાણ કર્યા બાદ પોતે છેતરાયો હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું હતું. આથી તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદીનું એકાઉન્ટ તપાસતા આરોપીઓએ રૂ. 4.80 કરોડની ઉચાપત કરી હોવાનું જાણવા મળ્યું હતું. (પીટીઆઇ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button