ફડણવીસને ફસાવવાના ‘ષડયંત્ર’ બદલ ભૂતપૂર્વ આઈપીએસ સંજય પાંડે સામે એફઆઈઆર નોંધવાની ભલામણ

મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) રશ્મિ શુક્લાએ 2016માં દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેને ખોટા કેસમાં ફસાવવાના કથિત કાવતરા બદલ ભૂતપૂર્વ ટોચના પોલીસ અધિકારી સંજય પાંડે અને બે અન્ય લોકો સામે એફઆઈઆર નોંધવાની ભલામણ કરી હતી, એવો દાવો સૂત્રોએ શનિવારે કર્યો હતો.
અહેવાલો પર પ્રતિક્રિયા આપતા, ભાજપના નેતાઓએ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકાર દરમિયાન પોલીસ ડિરેક્ટર જનરલ રહેલા પાંડે કોના ઇશારે કથિત રીતે કાર્યવાહી કરી રહ્યા હતા તે શોધવા માટે સંપૂર્ણ તપાસની માગણી કરી હતી.
આ પણ વાંચો : IPS રશ્મિ શુક્લા ફરી બન્યા મહારાષ્ટ્રના DGP,ચૂંટણી પહેલા ટ્રાન્સફર થઇ હતી
ત્રીજી જાન્યુઆરીએ નિવૃત્ત થતાં પહેલાં, શુક્લાએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના આધારે ગૃહ વિભાગને આ સંદર્ભમાં એક અહેવાલ સુપરત કર્યો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
અહેવાલમાં એવું સૂચવવામાં આવ્યું હતું કે તત્કાલીન ડીજીપી સંજય પાંડે, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ લક્ષ્મીકાંત પાટિલ અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ સરદાર પાટિલ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (જે તે સમયે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હતા) તેમજ વર્તમાન ડેપ્યુટી સીએમ શિંદે (તે સમયે પ્રધાન હતા)ને ફસાવવાના કાવતરામાં સામેલ હતા, સૂત્રોએ આરોપ લગાવ્યો હતો કે 2016માં થાણે નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણીના કેસની ફરીથી તપાસ કરીને શુક્લાએ આ ત્રણ અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવાની ભલામણ કરી હતી, એમ સૂત્રોએ ઉમેર્યું હતું.
શ્યામસુંદર અગ્રવાલ અને તેમના ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર, રિયલ એસ્ટેટ ડેવલપર સંજય પુનમિયા વચ્ચેના વિવાદ બાદ 2016માં થાણે નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. 2017માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : નાગપુરમાં ભાજપની મોટી કાર્યવાહી: પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 32 કાર્યકર 6 વર્ષ માટે સસ્પેન્ડ
ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકાર સત્તામાં હતી ત્યારે રાજ્ય પોલીસ દળના વડા રહેલા પાંડેએ કેસની ફરીથી તપાસનો આદેશ આપ્યો હતો, એવો આરોપ છે.
પુનમિયાએ બાદમાં તે જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે 2016ના કેસનો ઉપયોગ 2021થી જૂન 2024 દરમિયાન ફરીથી તપાસના બહાના તરીકે તેમને હેરાન કરવા અને તેમની પાસેથી પૈસા પડાવવા માટે કરવામાં આવ્યો હતો. તેમની ફરિયાદના આધારે, 2024માં પાંડે અને અન્ય સાત લોકો સામે ખંડણીનો કેસ નોંધવામાં આવ્યો હતો.
ભાજપના નેતા અને વિધાનસભાના સભ્ય પ્રવીણ દરેકરે મહારાષ્ટ્ર વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને દાવો કર્યો હતો કે આ ફડણવીસ અને શિંદેને ફસાવવાનું કાવતરું હતું.
આ પણ વાંચો : મુંબઈમાં ભાજપની મોટી કાર્યવાહી: ચૂંટણી પહેલા 26 કાર્યકરને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા
પોલીસ સૂત્રોએ દાવો કર્યો હતો કે 2024 ના ખંડણી કેસમાં પોતાના નિવેદનમાં સરદાર પાટીલે કાવતરું સ્વીકાર્યું હતું.
રાજ્યના પ્રધાન આશિષ શેલાર અને મુંબઈ ભાજપના વડા અમિત સાટમે શનિવારે આ મુદ્દે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું.
‘સંજય પાંડે કોના દબાણ હેઠળ કામ કરી રહ્યા હતા? કોણે આદેશો આપ્યા હતા? તે સમયે મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન કોણ હતા? દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેને જેલમાં મોકલવા માટે આ કરવામાં આવ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ નિર્દોષતાની ખોટી છબી બનાવી છે, પરંતુ તેમને આ પાપની કિંમત ચૂકવવી પડશે. ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળ દરમિયાન, પોલીસ દ્વારા પોલીસનો પીછો કરવાની પરિસ્થિતિ હતી,’ એમ શેલારે પાંડેની બ્રેઈન મેપિંગ ટેસ્ટ અને નાર્કો એનાલિસિસ કરાવવાની માગણી કરતા જણાવ્યું હતું.
સાટમે આરોપ લગાવ્યો કે ફડણવીસ અને શિંદે સામે કેસ નોંધવા માટે ખોટા દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. ‘2019 અને 2022ની વચ્ચે, જ્યારે ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન હતા, ત્યારે મહારાષ્ટ્રમાં અરાજકતાનું વાતાવરણ હતું. વિરોધીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, સરકાર વિરુદ્ધ બોલનારાઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યા હતા, પોલીસ દ્વારા હત્યાઓ કરવામાં આવી અને હુમલાઓનું આયોજન કરવામાં આવ્યું,’ એમ તેમણે કહ્યું હતું.



