
મુંબઈ: બિલ્ડર સામેના અનેક કેસોમાં મુંબઈ હાઇ કોર્ટ તથા શહેરની અન્ય કોર્ટમાં સરકારી વકીલ તરીકે હાજર રહેવા માટે કથિત બનાવટી દસ્તાવેજો રજૂ કરવા બદલ મુંબઈ પોલીસે એડવોકેટ સામે ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
બિલ્ડર સંજય પુનમિયાએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે કોલાબા પોલીસ સ્ટેશનમાં રવિવારે એડવોકેટ શેખર જગતાપ, બિલ્ડર શ્યામસુંદર અગ્રવાલ, શરદ અગ્રવાલ અને રાજ્યના ગૃહ વિભાગના નાયબ સચિવ કિશોર ભાલેરાવ તથા અન્યો વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ 420 (છેતરપિંડી), 465 (ફોર્જરી) તથા અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ તથા અન્યો વિરુદ્ધ મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં દાખલ રૂ. 15 કરોડના ખંડણીના કેસમાં પુનમિયાની જુલાઇ, 2021માં ધરપકડ કરવામાં આવી હતી.
ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે મરીન ડ્રાઇવના કેસમાં મારી ધરપકડ થયા બાદ શેખર જગતાપ 22 જુલાઇ, 2021ના રોજ શ્યામસુંદર અગ્રવાલના ખાનગી વકીલ તરીકે કોર્ટમાં હાજર થયો હતો. આ કેસની બીજી સુનાવણી વખતે એડવોકેટે કોર્ટ સમક્ષ પત્ર રજૂ કર્યો હતો, જેમાં આ કેસ તેમ જ ગેન્ગસ્ટર છોટા શકીલ, અગ્રવાલ અને અન્યો સામે નોંધાયેલા બીજા કેસોમાં તેને વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે, એવોે ઉલ્લેખ કરાયો હતો.
એફઆઇઆર અનુસાર જગતાપ વિશેષ સરકારી વકીલ તરીકે હાઇ કોર્ટમાં આઠ કેસમાં હાજર રહ્યો હતો. ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે આ કેસમાં શ્યામસુંદર અગ્રવાલ તથા અન્યોને મદદ કરવા માટે તપાસમાં અવરોધ ઊભો કર્યો હતો.
પુનમિયાએ માહિતી અધિકારનો ઉપયોગ કર્યો હતો અને જગતાપને જે કેસો માટે વિશેષ સરકારી વકીલ તરીકે હાજર થવા નિયુક્ત કરાયો હતો તેની માહિતી માટે વિનંતી કરી હતી.
ગૃહ વિભાગે ઓગસ્ટ, 2023માં પોતાના જવાબમાં જણાવ્યું હતું કે મરીન ડ્રાઇવ અને ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-9માં નોંધાયેલા ખંડણીના બે કેસ માટે જગતાપને સરકારી વકીલ તરીકે નિયુક્ત કરાયો હતો અને આ બે કેસમાં તેણે માત્ર કિલ્લા કોર્ટમાં હાજરી આપવાની હતી, પરંતુ તેણે સેશન્સ કોર્ટમાં પણ હાજરી આપીને કોર્ટ તથા સરકારને છેતર્યા હતા.
આરોપી એડવોકેટ બોગસ દસ્તાવેજો રજૂ કરીને વિશેષ સરકારી વકીલ તરીકે હાઇ કોર્ટ, સેશન્સ કોર્ટ અને થાણે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હાજર રહ્યો હતો અને રાજ્ય સરકાર સાથે છેતરપિંડી આચરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
દરમિયાન જગતાપે દાવો કર્યો હતો કે સંબંધિત સત્તાવાળાઓએ તેને આ કેસોમાં વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્ત કર્યો હતો અને તેમાં તે હાજર રહ્યો હતો. વિશેષ સરકારી વકીલ તરીકે મારી નિયુક્તિને બહાલી આપતા પત્રો કાયદા અને ન્યાયતંત્ર તરફી મને મળ્યા હતા, એમ પણ જગતાપે જણાવ્યું હતું. (પીટીઆઇ)