વન જમીન પર અતિક્રમણ કરી ધાર્મિક સ્થળ ઊભું કરનારા સામે ફૌજદારી કાર્યવાહી કરાશે: સરકાર…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વન જમીન પર અતિક્રમણ કરીને ગેરકાયદે ધાર્મિક સ્થળ ઉભું કરનારાઓનું આવી બનશે. અતિક્રમણ કરીને ધાર્મિક સ્થળ બનાવનારા સામે ફૌજદારી કાર્યવાહી કરવામાં આવશે એવી જાહેરાત મહારાષ્ટ્રના વનમંત્રી ગણેશ પ્રધાને કરી હતી.
વન જમીન પર અતિક્રમણ કરીને ગેરકાયદે રીતે ધાર્મિક સ્થળ ઊભા કરવાનું પ્રમાણ વધી રહ્યું હોવાની ધ્યાન આકર્ષક સૂચના વિધાનપરિષદના સભ્ય પ્રવીણ દટકે દ્વારા ઉપસ્થિત કરવામાં આવી હતી. આ સૂચનાના જવાબમાં વન મંત્રી ગણેશ નાઈકે વિધાન પરિષદમાં જવાબ આપ્યો હતો કે વન જમીન પર અતિક્રમણ કરીને ધાર્મિક સ્થળો ઊભા કરનારી સંસ્થા સામે કાર્યવાહી કરવામાં આવશે.
એ સાથે જ બાંધકામ કરનારી સંસ્થા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આવા ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી નહીં કરનારા અથવા તેમને મદદ કરનારા અધિકારીઓની તપાસ કરીને તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે એવું પણ તેમણે કહ્યું હતું. વન જમીન પર અતિક્રમણ કરવા બાબતે આગામી બે મહિનામાં માહિતી પણ સરકાર દ્વારા ભેગી કરવામાં આવવાની છે.
આ દરમ્યાન સંજય ગાંધી નેશનલ પાર્કમાં અને તેના પરિસરમાં રહેતા નાગરિકો પર સતત દીપડાના હુમલા થઈ રહ્યા છે અને માનવ વસતીમાં દીપડા ધૂસણખોરી કરી રહ્યા હોવા બાબતે વિધાનપરિષદમાં મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો ત્યારે દીપડાના હુમલાથી બચાવવા માટે ઉદ્યાનની ચારેતરફ સિમેન્ટની દીવાલ બાંધવામાં આવી રહી હોવાનો જવાબ વિધાનપરિષદમાં આપવામાં આવ્યો હતો. તેમ જ નેશનલ પાર્કમાં રહેતા નાગરિકોને તેની બહાર આરે કોલોનીમાં મ્હાડા મારફત ઘર બાંધીને તેમનું પુનવર્સન કરવામાં આવશે એવી માહિતી પણ આપવામાં આવી હતી. હાલ નેશનલ પાર્કમાં દીપડાની સંખ્યા ૫૪ છે. છેલ્લા અમુક વર્ષોમાં દીપડાના હુમલાાં ત્રણ લોકોના મૃત્યુ થયા હોઈ તેમના પરિવારને ૨૦ લાખની મદદ આપવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું હતું.