આમચી મુંબઈટોપ ન્યૂઝ

ગોરેગામ-મુુલુંડ લિંક રોડની અંડરગ્રાઉન્ડ ટનલને વન-પર્યાવરણ ખાતાની મંજૂરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરને જોડનારા મહત્ત્વાકાંક્ષી ગોરેગામ-મુલુંડ લિંક રોડ (GMLR) પ્રોજેક્ટ અંતર્ગત ૧૯.૪૩ હેકટર ફોરેસ્ટ લેન્ડ (વન્યજમીન)પર ટ્વિન ટનલના બાંધકામ માટે મુંબઈ મહાનગરપાલિકાને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય તરફથી અંતિમ મંજૂરી મળી ગઈ છે. બોરીવલીમાં સંજય ગાંધી ઉદ્યાન (નેશનલ પાર્ક)ની નીચેથી પસાર થનારી આ બંને ટનલ ૪.૭ કિલોમીટર લાંબી અને ૪૫.૭ મીટર પહોળી હશે.

જીએમએલઆર પ્રોજેક્ટના ત્રીજા તબક્કા (એ) અંતર્ગત ફ્લાયઓવર, એલિવેટેડ રોડનું બાંધકામ તો ત્રીજા તબક્કા (બી) હેઠળ ફિલ્મ સિટી ખાતે ૧.૨૨ કિલોમીટર લાંબી ટ્રિપલ બોક્સ ટનલ અને બોરીવલીમાં આવેલા નેશનલ પાર્ક હેઠળ ટ્વિન ટનલ બનાવવામાં આવશે, જે લિંક રોડ સહિત ૬.૬૫ કિલોમીટરનો કોરિડોર બનાવશે. આ ટ્વિન ટનલ ૨૦થી ૧૬૦ મીટર નીચે ભૂગર્ભમાં રહેશે, જેમાં દર ૩૦૦ મીટરે એકબીજા સાથે જોડવામાં આવશે. ટનલમાં અત્યાધુનિક લાઈટિંગ સહિત વેન્ટિલેશન, ફાયર સેફટી મિકેનિઝમ્સ, સીસીટીવી સર્વેલન્સ અને બંને છેડે કંટ્રોલ રૂમ જેવી અદ્યતન સિસ્ટમથી સજ્જ હશે. વધુમાં વરસાદી પાણીનાં નિકાલ માટે પાઈપલાઈન, ભવિષ્યમાં પાણીપુરવઠા માટે પાઈપલાઈન નાખવા માટેની જોગવાઈ પણ ટનલની નીચે કરવામાં આવવાની છે.

ટ્વિન ટનલના બાંધકામ માટે રાજ્ય સરકારને કેન્દ્રને વન જમીનના ડાઈવર્ઝન માટે મંજૂરી માંગતો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ઝીણવટપૂર્વક ચકાસણી બાદ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય તરફથી બે જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી પણ ફોરેસ્ટ ક્ધવર્ઝન એક્ટ, ૧૯૮૦ અંતર્ગત મંગળવાર પહેલી જુલાઈ, ૨૦૨૫ના અંતિમ મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ૧૯.૪૩ હેકટર અનામત ફોરેસ્ટ લેન્ડ (વન્ય જમીન)ને ડાઈવર્ઝન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તે મુજબ હવે પાલિકાએ નિર્ધારીત શરતો અનુસાર તેને અમલમાં મૂકવા માટેની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે.

પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરે જણાવ્યું હતું કે જંગલની જમીન પાલિકાને સોંપવામાં આવી છે પણ સંજય ગાંધી નેશનલ પાર્કમાં તેની કાયદેસર સ્થિતી યથાવત્ છે. ટનલ નેશનલ પાર્કના ભૂગર્ભમાં હશે, જે જમીનની સપાટી તથા વૃક્ષોને કોઈ અસર નહીં કરે. રાજ્ય દ્વારા ભલામણ કરાયેલા તમામ પર્યાવરણીય સુરક્ષાના પગલા અમલમાં મૂકવામાં આવશે, જે વન સંરક્ષણ નિયમ ૨૦૨૩ મુજબ ચંદ્રપુર જિલ્લામાં ૧૯.૫ હેકટર જગ્યા પર વનીકરણ યોજના અમલમાં મૂકવામાં આવશે.

પાલિકાએ ઑક્ટોબર ૨૦૨૮ સુધીમાં ટ્વિન ટનલનું કામ પૂરું કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. લગભગ ૧૨.૨૦ કિલોમીટર લંબાઈનો ગોરેગામ-મુલુંડ લિંક રોડ ચાર તબક્કામાં બનાવવામાં આવવાનો છે. આ પ્રોજેક્ટને કારણે પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગર વચ્ચેનો પ્રવાસનો સમય ૭૫ મિનિટ પરથી પચીસ મિનિટ પર આવી જશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૧૪,૦૦૦ કરોડ રૂપિયાનો છે, જેમાં ટ્વિન ટનલ માટે જ લગબગ ૬,૫૪૮ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. મુંબઈગરાનો પ્રવાસનો સમય તો ઘટશે પણ સાથે જ ઈંધણની બચત થશે અને કાર્બન ઉત્સર્જનમાં દર વર્ષે લગભગ ૨૨,૪૦૦ ટનનો ઘટાડો થશે.

આ પણ વાંચો…રાજ્યની શાળાઓમાં CCTV કેમેરા લગાવવામાં વિલંબ અંગે સરકાર સવાલોના ઘેરામાં

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button