7.85 કરોડનું કોકેન ભરેલી કૅપ્સ્યૂલ્સ ગળીને આવેલો વિદેશી પ્રવાસી એરપોર્ટ પર પકડાયો

મુંબઈ: 7.85 કરોડ રૂપિયાનું કોકેન ભરેલી કૅપ્સ્યૂલ્સ ગળીને આવેલા વિદેશી પ્રવાસીને કસ્ટમ્સ વિભાગે મુંબઈ એરપોર્ટ પરથી પકડી પાડ્યો હતો. પ્રવાસીને હૉસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેના પેટમાંથી 72 કૅપ્સ્યૂલ્સ બહાર કાઢવામાં આવી હતી. પ્રવાસી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીએ કહ્યું હતું.
વિદેશી પ્રવાસી 9 એપ્રિલે ફ્લાઇટમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યો ત્યારે કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) તેને શંકાને આધારે આંતર્યો હતો. તેના સામાનની તલાશી લેવામાં આવતાં કાંઇ મળ્યું નહોતું. જોકે પૂછપરછ વખતે તે ગભરાટ અને બેચેની અનુભવી રહ્યો હતો.
આ પણ વાંચો: બ્રાઝિલની મહિલાના પેટમાંથી કોકેન ભરેલી 100 કૅપ્સ્યૂલ્સ મળી: 11 કરોડનું કોકેન જપ્ત
પ્રવાસી અનેક કૅપ્સ્યૂલ્સ ગળી ગયો હોવાનું જાણવા મળતાં તેને કોર્ટની મંજૂરીથી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તેના પેટમાંથી 72 કૅપ્સ્યૂલ્સ બહાર કઢાઇ હતી, જેમાંથી 7.85 કરોડનું કોકેઇન મળી આવ્યું હતું. પ્રવાસીને સોમવારે કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને જુડિશિયલ કસ્ટડી ફટકારાઇ હતી.