એરપોર્ટ પર ગૂમ થયેલું પર્સ પાછું મળતા વિદેશી મહિલા થઈ ખુશખુશાલ, પોલીસનો માન્યો આભાર

મુંબઈ: દુનિયાના સૌથી વસ્ત એરપોર્ટમાંથી એક મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મહિલાનું પર્સ ખોવાઈ ગયું હતું. એડિસ અબાબા નામના શહેરમાંથી મુંબઈ આવેલી મહિલાના પર્સમાં 2200 ડોલર્સ અને 135 દિરહામ જેટલી રોકડ રકમ હતી. આ પર્સનો મુંબઈ પોલીસે પત્તો લગાવી મહિલાને પરત કરવામાં આવ્યું છે.
મુંબઈ આવેલી આ મહિલાને તેનું પર્સ ખોવાઈ ગયું હોવાની જાણ થતાં તેણે સહર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા પોલીસે તપાસ શરૂ કરી અને પર્સ એરપોર્ટના કર્મચારીઓને મળ્યું હોવાનું જાણવા મળ્યું હતું. એરપોર્ટના કર્મચારીઓએ આ પર્સને પોલીસ સ્ટેશનના મિસિંગ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવ્યું હતું.
આ પર્સમાં કોઈ પણ પ્રકારના દસ્તાવેજો કે આઇડી કાર્ડ ન હતું, જેથી પોલીસને પર્સના માલિકની સાચી ઓળખ કરવામાં મુશ્કેલી આવી હતી, પણ મહિલાએ આપેલી દરેક માહિતી અને પર્સમાંથી મળેલી રકમ સમાન હોવાથી મહિલાને પર્સ પાછું આપવામાં આવ્યું હતું.
મહિલાને પર્સ તેને પાછું મળતા તે ખુશ થઈ ગઈ હતી, તેણે પોલીસ અને એરપોર્ટ સ્ટાફનો આભાર પણ માન્યો હતો. આ મામલે વરિષ્ઠ પોલીસ અધિકારી એ કહ્યું કે આ પર્સને સુરક્ષાની સાથે તેના માલિકને પરત કરવામાં પોલીસ ટીમને સફળતા મળી છે.