વિદેશનું પ્રતિનિધિ મંડળ ભારતના ચૂંટણીપંચથી પ્રભાવિત,ચૂંટણી પ્રક્રિયા અને મતદારોનો ઉત્સાહ જોઇ કર્યા વખાણ
મુંબઈ: ભારત એ દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને ચૂંટણી એ કોઇપણ લોકશાહી ધરાવતા દેશનો મુખ્ય સ્તંભ મનાય છે. દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયા કઇ રીતે યોજાય છે તે જાણવા માટે વિદેશનું પ્રતિનિધિ મંડળ ભારતમાં આવ્યું હતું અને મહારાષ્ટ્રના રાયગઢમાં મતદાનની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું.
મતદાનની પ્રક્રિયા જોયા બાદ આ પ્રતિનિધિ મંડળ ખૂબ જ પ્રભાવિત થયું હતું અને મતદાનની પ્રક્રિયા અને મતદારોનો ઉત્સાહ જોઇને તેમણે આનંદાશ્ર્ચર્ય થયું હતું.
વિદેશથી આવેલા પ્રતિનિધિ મંડળમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, કઝાખસ્તાન અને ઝિમ્બાબ્વેના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. યોજનાબદ્ધ કાર્યવાહી અને મતદાન પારદર્શક અને સરળતાથી તેમ જ શાંતિપૂર્ણ રીતે યોજાય તે પ્રક્રિયા સુનિશ્ર્ચિત કરવા બદલ ચૂંટણીપંચની કામગિરીની પ્રશંસા કરી હતી.
ઉલ્લેખનીય છે કે રાયગઢમાં 7મી મેના રોજ ત્રીજા તબક્કા દરમિયાન મતદાન યોજવામાં આવ્યું હતું. એ દરમિયાન જ ઇન્ટરનેશનલ કોઓપરેશન માટે ચૂંટણીપંચ દ્વારા યોજવામાં આવેલા પ્રોગ્રામ અંતર્ગત વિદેશી પ્રતિનિધિ મંડળને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
પ્રતિનિધિ મંડળ દ્વારા મતદાનની પ્રક્રિયાની પ્રશંસા કરતા જણાવવામાં આવ્યું હતું કે મતદારોનો ઉત્સાહ અને ખાસ કરીને યુવા મતદારોનો ઉત્સાહ અને મતદાન કરતા વખતે તેમના ચહેરા પર જોવા મળેલો આનંદ ચૂંટણીપંચ દ્વારા ચલાવવામાં આવતા જાગરૂકતા અભિયાનની સફળતા દર્શાવે છે.