મહિલાઓની સુરક્ષા માટે મુંબઈ પાલિકાએ લીધો આ નિર્ણય, 100 કરોડની જોગવાઈ કરી

મુંબઈ: મુંબઈ મહાપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2024-25નું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષના બજેટમાં મહાપાલિકા દ્વારા મહિલા સુરક્ષા અંગે ઝુંબેશ ચલાવવા પર વધારે ધ્યાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહાપાલિકાની આ ખાસ ઝુંબેશ હેઠળ એક મોબાઇલ એપ તૈયાર કરવામાં આવવાની છે.
આ એપ વડે કોઈપણ મહિલા પોલીસ, પાલિકા અને સામાજિક સંસ્થા સાથે સીધો સંપર્ક કરીને તેમની મદદ મેળવી શકે છે. આ એપને પોલીસ અને પાલિકાની સિસ્ટમથી જોડવામાં આવી હોવાની માહિતી એક અધિકારીએ આપી હતી.
શહેરમાં મહિલાઓ સાથે કૌટુંબિક હિંસા, છેડતી અને અત્યાચાર થવાની ઘટનામાં વધારો થયો છે, જેથી આવી મુશ્કેલીમાં મુકાયેલી મહિલાની મદદ કરવા માટે મહાપાલિકાએ એપ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ એપ વડે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિ વખતે મહિલાની મદદ કરવામાં આવશે એવી માહિતી મહાપાલિકાનાં કમિશનર ઇકબાલસિંહ ચહલે આપી હતી.
મુંબઈ મહિલા સુરક્ષા મોહિમ હેઠળ આ એપ તૈયાર કરવામાં આવવાની છે.
એપ્લિકેશન પોલીસ, હોમગાર્ડ, સામાજિક સંસ્થા વગેરેની માહિતી અને સંપર્ક નંબર આપવામાં આવ્યાં છે. મહિલાએ એપ પર મદદ માગ્યાનાં ટૂંક સમયમાં જ મહિલાની મદદ માટે પોલીસ કે અન્ય વિભાગ પહોંચી જશે. એપ પર દાખલ કરવામાં ફરિયાદને નિયંત્રણ કરવા માટે એક કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવશે.
મહિલાએ આ એપ પર સંપર્ક કરતાં તરત જ પોલીસ તેની મદદ માટે પહોંચે તે માટે પેટ્રોલિંગ સ્કવોડ પણ તહેનાત કરવામાં આવી છે. આ એપ અને તેનાથી જોડાયેલી દરેક સેવા માટે રૂ. 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, એવી માહિતી ચહલે આપી હતી.