રાજકારણના ઇતિહાસમાં પહેલી વાર, ઉદ્ધવ ઠાકરે આપશે કૉંગ્રેસના આ ઉમેદવારને મત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કહેવાય છે કે રાજકારણમાં કોઇ કોઇના કાયમી મિત્ર નથી હોતા અને કોઇ કોઇના કાયમી શત્રુ. રાજકારણના સમીકરણે ડગલે અને પગલે બદલાતા હોય છે જેમ કે જીયો પોલિટીક્સ એટલે કે એક દેશના બીજા દેશ સાથેના સંબંધો. જો દસ વર્ષ પહેલા કોઇએ એવું કહ્યું હોત કે કૉંગ્રેસના કટ્ટર વિરોધી તેવા હિંદુ હૃદયસમ્રાટ ગણાતા બાળાસાહેબ ઠાકરેના દીકરા ઉદ્ધવ ઠાકરે પોતે કૉંગ્રેસને મત આપશે તો આ વાત હસવામાં કાઢી નાંખવામાં આવી હોત. જોકે, આ વર્ષની લોકસભાની ચૂંટણીમાં એવી પરિસ્થિતિ ઊભી થઇ છે કે મતદાન વખતે ઉદ્ધવ ઠાકરે કૉંગ્રેસને મત આપે.
કૉંગ્રેસ તરફથી ઉત્તર-મધ્ય મુંબઈ બેઠક પરથી એકનાથ ગાયકવાડના પુત્રી વર્ષા ગાયકવાડને ઉમેદવારી સોંપવામાં આવી છે. શુક્રવારે વર્ષા ગાયકવાડ ઉદ્ધવ ઠાકરેને મળવા માટે તેમના નિવાસસ્થાન ‘માતોશ્રી’ પહોંચ્યા હતા. જ્યાં ઉદ્ધવ ઠાકરેએ પોતાનું સમર્થન ગાયકવાડને આપતા કહ્યું હતું કે હાથ મશાલને થોભી રહે એ જરૂરી છે. આમ કહીને ઉદ્ધવ ઠાકરેએ બંને પક્ષના ચૂંટણી ચિહ્નોનો ઉલ્લેખ કર્યો હતો અને બંનેએ એકબીજાની જરૂર હોવાનો સાંકેતિક સંદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેના પક્ષનું ચૂંટણી ચિહ્ન મશાલ છે જ્યારે કૉંગ્રેસનું ચૂંટણી ચિહ્ન હાથ છે.
આપણ વાંચો: ઉદ્ધવ ઠાકરેની અરજી ચૂંટણી પંચે ફગાવી
આ ઉપરાંત પોતે કૉંગ્રેસના ઉમેદવારને મતદાન કરશે એમ કહેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે હું ઉત્તર-મધ્ય મુંબઈ લોકસભા મતવિસ્તારનો મતદાર છું અને હું વર્ષા ગાયકવાડને મારો મત આપીશ. ‘ઇન્ડિયા’(મહાવિકાસ આઘાડી) ગઠબંધન આ ચૂંટણી જીતશે.
ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના વચ્ચે દક્ષિણ-મધ્ય મુંબઈ લોકસભા બેઠક માચે હૂંસાતૂંસી ચાલી રહી હતી. આ લોકસભા બેઠક પરથી પોતાને ઉમેદવારી સોંપવામાં આવે, તેવી ઇચ્છા વર્ષા ગાયકવાડની હતી. કારણ કે તેમના સ્વર્ગીય પિતા એકનાથ ગાયકવાડ આ જ બેઠક પરથી સાંસદ રહ્યા હતા. જોકે, આ બેઠક પરથી શિવસેનાએ પહેલા જ અનિલ દેસાઇનું નામ જાહેર કર્યું હોવાના કારણે તે આ બેઠક છોડવા તૈયાર નહોતા. જોકે, હવે બંને પક્ષ વચ્ચે આ મુદ્દે સમાધાન સધાઇ ગયું હોવાનું જણાય છે.