બાબા સિદ્દીકીને પતાવવા મહિનાથી શૂટરોને મોકાની તલાશ હતી
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીને પતાવવા માટે શૂટરોને મહિનાથી મોકાની તલાશ હતી. તેઓ એક મહિનાથી સિદ્દીકીના નિવાસસ્થાન અને તેમના પુત્રની ઓફિસની રૅકી કરી રહ્યા હતા. શૂટરો સવારે સિદ્દીકીના નિવાસ બહાર અને સાંજે ઓફિસ બહાર જતા હતા. આખરે 12 સપ્ટેમ્બરે રાતે મોકો મળતાં તેમણે સિદ્દીકી પર ગોળીબાર કર્યો હતો.
બાબા સિદ્દીકી હત્યાકેસમાં ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ ઉર્ફે શિવા અને તેના ચાર સાથી અનુરાગ કશ્યપ, જ્ઞાન પ્રકાશ ત્રિપાઠી, આકાશ શ્રીવાસ્તવ તથા અખિલેન્દ્ર પ્રતાપ સિંહની ધરપકડ કરી હતી. પાંચેય આરોપીઓને સોમવારે બપોરે મુંબઈ લવાયા બાદ કોર્ટમાં હાજર કરાતાં તેમને 19 નવેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.
પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે આ કેસ સંબંધી નાણાકીય પાસાંઓ અને શૂટરોએ શસ્ત્રો ક્યાંથી મેળવ્યાં તેની તપાસ કરવી જરૂરી છે. આરોપી અનુરાગ કશ્યપે શિવકુમારને બે લાખ રૂપિયા આપ્યા હતા, જે ક્યાંથી આવ્યા તેની પણ તપાસ કરવાની છે.
બીજી તરફ શિવકુમારના વકીલ અમિત મિશ્રાએ જણાવ્યું હતું કે તેનો અસીલ તપાસમાં સહકાર આપવા તૈયાર છે. અન્ય ચાર આરોપીને ઓછામાં ઓછા સમય માટે રિમાન્ડ આપવાની માગણી કરતાં મિશ્રાએ કહ્યું હતું કે આ ગુનામાં તેમની કોઇ ચોક્કસ હતી નહીં. તેમણે શિવકુમારને આશ્રય આપ્યો હતો અને તેને નેપાળ ભગાડવામાં મદદ કરી રહ્યા હતા.
બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ મેજિસ્ટ્રેટે પાંચેય આરોપીઓને 19 નવેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
ઉલ્લેખનીય છે કે બાબા સિદ્દીકી 12 ઑક્ટોબરે રાતના પોતાના બે અંગરક્ષકો સાથે બાંદ્રા પૂર્વમાં મીટિંગમાં હાજરી આપ્યા બાદ પોતાના નિવાસે જઇ રહ્યા હતા ત્યારે નિર્મલનગર ખાતે પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસ બહાર તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. સિદ્દીકીની છાતીમાં ગોળી વાગી હતી અને તેમનું મૃત્યુ થયું હતું. હત્યામાં સંડોવાયેલા બંને શૂટર ગુરમેલ સિંહ અને ધર્મરાજ કશ્યપ ઘટનાની રાતે જ પકડાઇ ગયા હતા.
દરમિયાન ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે જોઇન્ટ ઓપરેશન હાથ ધરીને રવિવારે શિવકુમારને પકડી પાડ્યો હતો. શિવકુમારે પોલીસને જણાવ્યું હતું કે તે તેના પરિવારનું ભરણપોષણ કરવા માટે ઝડપથી રૂપિયા કમાવાના હેતુથી તે ગુનો કરવા તૈયાર થયો હતો. શિવકુમારને તેના બે નાના ભાઇના શિક્ષણ અને બે બહેનના લગ્ન માટે નાણાં જોઇતા હતા. તે ચાર વર્ષ અગાઉ કામની શોધમાં પુણે આવ્યો હતો અને એપ્રિલમાં આરોપી ધર્મરાજ કશ્યપે તેને સાથે કામ કરવા માટે કહ્યું હતું. શિવકુમાર બાદમાં ફરાર આરોપી શુભમ લોણકરના સંપર્કમાં આવ્યો હતો.