ફ્લેટ ખરીદદારો સાથે રૂ. 40 કરોડની છેતરપિંડીના કેસમાં ડેવલપરની ધરપકડ
મુંબઈ: ગોરેગામ ખાતે પ્રોજેક્ટમાં ફ્લેટ આપવાને નામે લોકો પાસેથી રૂ. 40 કરોડ લીધા બાદ તેમને ફ્લેટનો તાબો ન આપીને છેતરપિંડી આચરવાના કેસમાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ ડેવલપર જયેશ તન્ના (56)ની શનિવારે ધરપકડ કરી હતી. મે. સાઇ સિદ્ધિ ડેવલપર્સ (એએસડી એસ્કેટિક પ્રા. લિ.)ના ડિરેક્ટર જયેશ તન્નાને રવિવારે કોર્ટમાં હાજર કરાતાં તેને 22 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
ગોરેગામ પર્લ બાયર વેલફેર એસોસિયેશનના સભ્ય તેમ જ અન્ય 17 ફ્લેટ ખરીદદારો દ્વારા આ પ્રકરણે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરોપીએ કથિત પ્રોજેક્ટમાં 2012થી અત્યાર સુધીમાં 27 જણને ફ્લેટ વેચીને રૂ. 40 કરોડ લીધા હતા.
ડિસેમ્બર, 2013માં ફ્લેટનો કબજો આપવાનું આશ્ર્વાસન આપવામાં આવ્યું હતું. જોકે પ્રકલ્પનું બાંધકામ અધૂરું રખાયું અને નાણાં અન્ય બેન્ક ખાતામાં વાળીને તેનો દુરુપયોગ કરાયો હતો. આમ ખરીદદારોને ફ્લેટનો કબજો ન આપી અને પૈસા પણ પાછા આપવામાં આવ્યા નથી. આથી ફ્લેટ ખરીદદારોએ સંગઠન બનાવીને જયેશ તન્ના તથા અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે જયેશ તન્ના વિરુદ્ધ આર્થિક ગુના શાખા, કાંદિવલી અને ડી.એન. નગર પોલીસ સ્ટેશનમાં નવ ગુના દાખલ છે. એક કેસમાં અગાઉ તન્નાની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં તે આર્થર રોડ જેલમાં હતો. આથી કોર્ટની પરવાનગી લઇ તેનો તાબો મેળવાયો હતો અને ગોરેગામના કેસ શનિવારે તેની ધરપકડ કરાઇ હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીની કંપનીના ત્રણ ખાતાંની માહિતી મગાવવામાં આવી છે.
તેણે મોટી રકમ પોતાના વ્યક્તિગત ખાતામાં ટ્રાન્સફર કરી હોવાનું તપાસમાં જણાયું છે. મ્હાડા દ્વારા સોસાયટીની એ વિંગ માટે મંજૂર કરવામાં આવેલી એફએસઆઇ સામે ભરવાની અમુક રકમ મ્હાડાને ચૂકવાઇ નથી.