આમચી મુંબઈ

પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરી પનવેલમાં વેચી: મામા-મામી સહિત પાંચની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાંતાક્રુઝમાંથી અપહરણ કરાયેલી પાંચ વર્ષની બાળકીને પનવેલમાં 1.80 લાખ રૂપિયામાં વેચવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. પોલીસે મામા-મામી સહિત પાંચની ધરપકડ કરી બાળકીને પનવેલના એક ફ્લૅટમાંથી છોડાવી હતી.

પકડાયેલા આરોપીઓની ઓળખ લૉરેન્સ ફર્નાન્ડીસ (42), મંગલ જાધવ (38), લતીફ અબ્દુલ શેખ (52), કરન સણસ અને વૃંદા ચવ્હાણ (60) તરીકે થઈ હતી. આરોપી લૉરેન્સ અને મંગલ અપહૃત બાળકીનાં મામા-મામી હોવાનું પોલીસનું કહેવું છે.
પોલીસ ફરિયાદ અનુસાર સાંતાક્રુઝ પૂર્વમાં રહેતી મહિલાની પાંચ વર્ષની બાળકીનું શનિવારના મળસકે ત્રણ વાગ્યાની આસપાસ કથિત અપહરણ કરાયું હતું. આ પ્રકરણે વાકોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં જ તપાસ માટે ઝોનનાં દરેક પોલીસ સ્ટેશનોના ચુનંદા અધિકારીઓની સાત ટીમ બનાવવામાં આવી હતી.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે બાળકીનું અપહરણ એક પુરુષ અને મહિલાએ રિક્ષામાં કર્યું હતું. એ સિવાય ત્રણ જણ બાઈક પર સંબંધિત પરિસરમાં નજર રાખી રહ્યા હતા. જે રિક્ષામાં બાળકીને લઈ જવાઈ હતી તેનું વર્ણન પોલીસને મળ્યું હતું. એ રિક્ષા પનવેલ જઈને ફરી સાંતાક્રુઝમાં આવી હોવાનું પણ જણાયું હતું.

માહિતીને આધારે પોલીસે રિક્ષાને શોધી કાઢી વાકોલા પરિસરમાંથી રિક્ષા ડ્રાઈવર શેખને તાબામાં લીધો હતો. બાળકીનું અપહરણ તેનાં મામા-મામીએ કરીને પનવેલમાં કરન સણસને 90 હજાર રૂપિયામાં વેચી હોવાનું શેખે કહ્યું હતું. પોલીસે પનવેલના વિઠ્ઠલવાડી પરિસરમાંથી મામા-મામી અને સણસને પકડી પાડ્યાં હતાં.

સણસે બાળકી બે મહિલા વૃંદા ચવ્હાણ અને અંજલિ કોરગાંવકરને 1.80 લાખ રૂપિયામાં વેચી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ન્યૂ પનવેલના ઉસર્લી બુદ્રુક ખાતેના એક ફ્લૅટમાંથી વૃંદાને તાબામાં લઈ બાળકીને છોડાવી હતી. આ પ્રકરણે વધુ તપાસ ચાલી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાંચો:  પુણેનો જમીન સોદો પ્રકરણ

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button