ગઢચિરોલીમાં ચાર મહિલા સહિત પાંચ નક્સલવાદી પકડાયાં: ઘાતક શસ્ત્રો જપ્ત
પોલીસ જવાનો પર હુમલો કરવા 50થી 60 નક્સલવાદી ભેગા થતાં સી-60 કમાન્ડો અને સીઆરપીએફે ગામને ઘેરી લીધું

મુંબઈ: ગઢચિરોલી પોલીસના સી-60 કમાન્ડો અને સીઆરપીએફના જવાનોએ આખા ગામને ઘેરી લઈ રહેવાસીઓને નુકસાન ન પહોંચે તેની સતર્કતા જાળવી ચાર મહિલા સહિત પાંચ નક્સલવાદીને પકડી પાડ્યાં હતાં. પોલીસ જવાનો પર હુમલો કરી ભાંગફોડિયા કાવતરાને અંજામ આપવાને ઇરાદે નક્સલવાદીઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા. પકડાયેલા નક્સલવાદીઓના માથે સરકારે 36 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.
પોલીસે ધરપકડ કરેલી ત્રણ મહિલા નક્સલવાદીની ઓળખ ઉંગી મંગરુ હોયામ ઉર્ફે સુમલી (27), પલ્લવી કેસા મીડિયમ ઉર્ફે બંડી (19) અને દેવે કોસા પોડિયામ ઉર્ફે સબિતા (19) તરીકે થઈ હતી. પકડાયેલા બે નક્સલવાદીમાં એક સગીરાનો સમાવેશ થાય છે. બન્નેની ઉંમર સંબંધી પુરાવા હાથ લાગ્યા ન હોવાથી તેમને તાબામાં લેવાયા હતા. બન્નેને જુવેનાઈલ કોર્ટ સમક્ષ હાજર કરીને વધુ કાર્યવાહીની ભલામણ કરાઈ હતી.
ગઢચિરોલી જિલ્લાના ભામરાગડ પાસેના બિનાગુંડા ગામમાં 50થી 60 નક્સલવાદી પોલીસ જવાનો પર હુમલો કરવાને ઇરાદે ભેગા થયા હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે ગઢચિરોલી પોલીસના સ્પેશિયલ સી-60 કમાન્ડોની આઠ ટીમ અને સીઆરપીએફની બટાલિયન નંબર-37ની એક ટુકડીના જવાનોએ જંગલ પરિસર અને તેની પાસેના બિનાગુંડા ગામમાં કૉમ્બિંગ ઑપરેશન હાથ ધર્યું હતું.
કમાન્ડો અને જવાનોએ સોમવારે ગામને ઘેરી લીધું હતું. ગામમાં રહેવાસીઓ હોવાથી તેમને કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચે એ રીતે આ ઑપરેશન પાર પડાયું હતું. પોલીસે ગોળીબાર કર્યા વિના નક્સલવાદીઓને પકડી પાડ્યા હતા. બાકીના નક્સલવાદી જંગલ તરફ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
ઘટનાસ્થળેથી પોલીસે એક એસએલઆર રાઈફલ, એક પૉઈન્ટ 303 રાઈફલ, ત્રણ સિંગલ શૉટ રાઈફલ, બે ભરમાર બંદૂક જેવાં શસ્ત્રો સાથે વૉકીટૉકી અને અન્ય સાધનો જપ્ત કર્યાં હતાં. પકડાયેલી ઉંગી પ્લાટૂન-32ની ડિવિઝનલ કમિટી મેમ્બર છે અને તેના પર સરકારે 16 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. પ્લાટૂન પાર્ટી કમિટી મેમ્બર પલ્લવીને માથે આઠ લાખ અને પ્લાટૂનની મેમ્બર દેવેના માથે ચાર લાખનું ઇનામ હતું. પકડાયેલા બન્ને સગીર પર આઠ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો…નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટર પછી પોલીસે શસ્ત્રોનો જથ્થો જપ્ત કર્યો…