કોસ્ટલ રોડ પર પહેલો અકસ્માત: ટનલમાં કાર દીવાલ સાથે ટકરાતાં ટ્રાફિકને અસર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોસ્ટલ રોડની ટનલમાં ગુરુવારે બપોરે પહેલો અકસ્માત નોંધાયો હતો, જેને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. પુરપાટ વેગે આવી રહેલી કાર દીવાલ સાથે ટકરાઇ હતી અને પાછળથી આવી રહેલી બીજી કાર તેની સાથે ભટકાઇ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઇને ઇજા પહોંચી નહોતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
મરીન ડ્રાઇવ એક્ઝિટ નજીક દક્ષિણ તરફની ટનલમાં ગુરુવારે બપોરે 12.30 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે કોસ્ટલ રોડ પર ટનલમાં ગુરુવારે બપોરે ક્રોસ પેસેજ-05 નજીક કાળા રંગની ટોયોટા કાર કોર્નરની દીવાલ સાથે ટકરાયા બાદ ફરી ગઇ હતી અને પાછળથી આવી રહેલી અન્ય કાર તેની સાથે ટકરાઇ હતી.
દરમિયાન પ્રિયદર્શની પાર્ક ખાતેના ક્ધટ્રોલ રૂમમાંના સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કરવામાં આવતાં ટનલમાં વાહનો થોભી ગયા હોવાનું જણાયું હતું. એવામાં એક વ્યક્તિએ નજીકના ઇમર્જન્સી કૉલ બોક્સમાંથી કૉલ કરીને જાણ કરી હતી કે ટનલમાં અકસ્માત થયો છે. આ અંગેની જાણ સંબંધિત વિભાગને કરવામાં આવ્યા બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે રવાના થઇ હતી અને બાદમાં ટોવિંગ વેનને ત્યાં બોલાવવામાં આવી હતી, એમ અધિકારીએ કહ્યું હતું.
ટોવિંગ વેન ઘટનાસ્થળે પહોંચ્યા બાદ તેની મદદથી ક્ષતિગ્રસ્ત કારને ત્યાંથી હટાવવામાં આવી હતી. કારના ડ્રાઇવરના નિવેદન અનુસાર કારનું સ્ટિયરિંગ ઢીલું હોવાને કારણે આ અકસ્માત થયો હતો. કારમાં ડ્રાઇવરની સાથે અન્ય એક વ્યક્તિ હતી અને તેમને કોઇ ઇજા પહોંચી નહોતી. જોકે કારને ખાસ્સું નુકસાન થયું હતું. અકસ્માતને કારણે ટનલમાં ઓઇલ ઢોળાયું હતું, જેને બાદમાં સાફ કરી દેવામાં આવ્યું હતું.