સલમાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર,આરોપીએ બીજા બે ઍક્ટર્સનાં ઘરની રૅકી કરી
તેના વીડિયો અનમોલ બિશ્ર્નોઈને મોકલ્યા હતા
મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન બહાર ગોળીબાર કેસમાં ધરપકડ કરાયેલા આરોપીએ પૂછપરછમાં ચોંકાવનારી માહિતી આપી હતી. એપ્રિલમાં મુંબઈ આવેલા આરોપીએ સલમાનના નિવાસસ્થાન સિવાય અન્ય બે ઍક્ટર્સનાં ઘરની પણ રૅકી કરી હતી અને તેના વીડિયો ગૅન્ગસ્ટર અનમોલ બિશ્ર્નોઈને મોકલ્યા હતા.
બાન્દ્રાના ગૅલેક્સી એપાર્ટમેન્ટ બહાર 14 એપ્રિલની વહેલી સવારે થયેલા ગોળીબારના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે પાંચમા આરોપી મોહમ્મદ રફીક સરદાર ચૌધરી (37)ની મંગળવારે રાજસ્થાનના નાગૌર જિલ્લામાંથી ધરપકડ કરી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા બન્ને શૂટર વિકી ગુપ્તા અને સાગર પાલની પૂછપરછમાં ચૌધરીનું નામ સામે આવ્યું હતું.
ચૌધરીની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે 8થી 13 એપ્રિલ દરમિયાન તે મુંબઈમાં હતો. આ સમયગાળામાં ગૅલેક્સી એપાર્ટમેન્ટ સિવાય તેણે બીજા બે ઍક્ટર્સનાં ઘરની રૅકી કરી હતી. જે સ્થળોની રૅકી કરી હતી તેના વીડિયો તેણે અનમોલ બિશ્ર્નોઈને મોકલાવ્યા હતા. પોલીસ ચૌધરીના આ દાવાની તપાસ કરી રહી છે.
ચૌધરી અગાઉ અનેક વર્ષ મુંબઈમાં રહી ચૂક્યો હોવાથી પોલીસની કામગીરીથી તે વાકેફ હતો. બિશ્ર્નોઈને મોકલવામાં આવેલા વીડિયો તેણે પોતાના મોબાઈલ ફોનમાંથી ડિલીટ કરી નાખ્યા હતા. પોલીસે ચૌધરીના મોબાઈલને તાબામાં લઈ ડિલીટ કરેલા ડેટા પાછા મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે.
પૂછપરછમાં ચૌધરીએ કબૂલાત કરી હતી કે ગોળીબાર માટે શૂટરોને આપવાનાં નાણાં તેને બિશ્ર્નોઈ ગૅન્ગ પાસેથી પહોંચતાં કરાયાં હતાં. ચૌધરીને ત્રણ લાખ રૂપિયા મળ્યા હતા, જેમાંથી બે લાખ રૂપિયા તેણે બન્ને શૂટરને આપ્યા હતા.
આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ અંકિતને પણ શોધી રહી છે. અનમોલ બિશ્ર્નોઈના કહેવાથી અંકિતે આ આખા ઑપરેશનનું સૂત્રસંચાલન કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. અંકિતે બન્ને શૂટર ગુપ્તા અને પાલને ઑક્ટોબર, 2023માં પણ પનવેલ મોકલાવ્યા હતા, પરંતુ કોઈ કારણવશ કામ સફળ ન થતાં બન્ને પાછા પોતાના વતન જતા રહ્યા હતા.