સલમાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર: મુંબઈ પોલીસે અનમોલ બિશ્ર્નોઈના પ્રત્યર્પણની પ્રક્રિયા હાથ ધરી
ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈનો ભાઈ અનમોલ અમેરિકામાં હોવાની ખાતરી
મુંબઈ: બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન બહાર ગોળીબાર કરવાના કેસમાં ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈના ભાઈ અનમોલ બિશ્ર્નોઈના પ્રત્યર્પણની પ્રક્રિયા મુંબઈ પોલીસે હાથ ધરી હતી. અનમોલ અમેરિકામાં સંતાયો હોવાની માહિતી સામે આવ્યા પછી પોલીસે તેને ભારત લાવવાની હિલચાલ શરૂ કરી હોવાનું એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
બાન્દ્રા પશ્ર્ચિમમાં ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર ગોળીબારના કેસમાં ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈ અને તેના ભાઈ અનમોલનાં નામ સામે આવ્યાં હતાં. લૉરેન્સ હાલમાં ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે, જ્યારે અનમોલ વિદેશ ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. છેલ્લે અનમોલ કેનેડામાં હોવાની માહિતી આવી હતી.
જોકે અનમોલ બિશ્ર્નોઈ અમેરિકામાં હોવાની માહિતી મળતાં મુંબઈ પોલીસે તેને ભારત લાવવા માટે પ્રત્યર્પણની પ્રક્રિયા હાથ ધરી હતી. ગયા મહિને ક્રાઈમ બ્રાન્ચે આ મામલે વિશેષ એમસીઓસીએ કોર્ટમાં અરજી કરી હતી.
આપણ વાંચો: બિશ્નોઇની ધમકી વચ્ચે સલમાન ખાને કરી દુબઈ ટુરની જાહેરાતઃ આ દિવસે પરફોર્મ કરશે
આ અરજીના જવાબમાં વિશેષ અદાલતે જરૂરી દસ્તાવેજો સંબંધી પ્રક્રિયા હાથ ધરવાની પરવાનગી આપી હતી. ગૃહ મંત્રાલયને દસ્તાવેજો મળ્યા પછી વિદેશ મંત્રાલય અમેરિકી અધિકારીઓ સાથે સમન્વય સાધશે. પ્રત્યર્પણની પ્રક્રિયા પૂર્ણ થયા પછી ક્રાઈમ બ્રાન્ચ અનમોલને તાબામાં લઈ શકશે.
એક આરોપનામામાં અનમોલને ફરાર આરોપી જાહેર કરવામાં આવ્યા બાદ તેની સામે રેડ કૉર્નર નોટિસ બહાર પાડવામાં આવી હતી. આ નોટિસને આધારે અમુક મહિના પહેલાં અમેરિકન અધિકારીઓએ અનમોલ અમેરિકામાં હોવાની માહિતી મુંબઈ પોલીસને આપી હતી.
આપણ વાંચો: સલમાન ખાને મામલો પતાવવા બિશ્નોઈને બ્લેન્ક ચેક આપ્યો હતો, લોરેન્સના ભાઈનો દાવો
અનમોલ અમેરિકામાં હોવાની ખાતરી થયા છતાં ત્યાંની પોલીસે તેને તાબામાં લીધો છે કે નહીં, તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હોવાનું સૂત્રોનું કહેવું છે.
પંજાબના ફાજિલ્કાના વતની અનમોલે નેપાળના એક વ્યાવસાયિક પાસેથી બૉમ્બ બનાવવાની પદ્ધતિ શીખી હતી. 2022માં પંજાબમાં ગાયક સિધુ મૂસેવાલાની હત્યામાં શૂટરોને શસ્ત્રો અને અન્ય મદદ પૂરી પાડવામાં અનમોલની ભૂમિકા હતી. લૉરેન્સ જેલમાં ગયા પછી ટોળકીનું સૂત્રસંચાલન અનમોલ કરતો હોવાનું પોલીસનું માનવું છે.
બાન્દ્રામાં દશેરાની રાતે રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવાના કેસમાં પણ અનમોલની સંડોવણી હોવાનું જણાયું હતું. શૂટરો સાથે અનમોલની ચર્ચા થઈ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ગયા અઠવાડિયે જ એનઆઈએએ અનમોલ પર 10 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી.