ઘાટકોપર પશ્ચિમમાં બહુમાળી બિલ્ડિંગમાં ભીષણ આગ, અનેક લોકો ફસાયાની ભીતિ

મુંબઈઃ વાતાવરણમાં પલટા સાથે મુંબઈ સહિત પરાના વિસ્તારમાં ફરી આગના કિસ્સામાં વધારો થયો છે. આજે કુર્લા, આસનગાંવમાં આગ લાગ્યાના અહેવાલ પછી ઘાટકોપર પશ્ચિમની બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગ્યાના અહેવાલ છે. આગ લાગ્યાના જાણ પછી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે.
આજે સવારે કુર્લામાં આગ લાગ્યા પછી દસેક દુકાનો બળીને ખાખ થઈ હતી, ત્યાર પછી આસનગાંવમાં આગ લાગ્યાના અહેવાલ હતી. ઘાટકોપર પશ્ચિમના ગોલ્ડનક્રેસ્ટ બિઝનેસ પાર્ક સ્થિત બિલ્ડિંગમાં ભીષણ આગ લાગ્યાની ઘટના ઘટી છે. આગની માહિતી મળ્યા પછી મુંબઈ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ નિયંત્રણમાં લેવાની કોશિશ ચાલુ છે, જ્યારે બિલ્ડિંગમાં અનેક લોકો ફસાયા હોવાના અહેવાલ છે. બચાવ કામગીરી હાથમાં ધરી હોવાનું ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું.
બિલ્ડિંગમાં આગ લાગ્યા પછી ઇમારતમાં કામકાજ કરનારા લોકો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા, જ્યારે અનેક લોકોને ફાયર બ્રિગેડના જવાનોએ સુરક્ષિત બહાર કાઢ્યા હતા, જ્યારે અમુક લોકોને બિલ્ડિંગની બારી બહાર સીડી મારફત લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. ઘટનાસ્થળે મુંબઈ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી, પરંતુ આગને નિયંત્રણમાં લેવાના પ્રયાસો ચાલુ છે, એમ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો…અમેરિકામાં પ્લેન ક્રેશ થઈને ટ્રક પર પડ્યું અને આગ લાગી; સદનસીબે જાનહાનિ ટળી…