ભિવંડીના ગોદામમાં આગમાં એકનું મોત: મહિલાને આગોતરા જામીન...
આમચી મુંબઈ

ભિવંડીના ગોદામમાં આગમાં એકનું મોત: મહિલાને આગોતરા જામીન…

થાણે: ભિવંડીના ગોદામમાં આગ લાગવાને કારણે એક જણનું મોત નીપજવાની ઘટનામાં સેશન્સ કોર્ટે ગોદામની માલકણના આગોતરા જામીન મંજૂર કર્યા હતા. એડિશનલ સેશન્સ જજ એન. કે. કારાંડેએ 11 જુલાઈએ આપેલા આદેશમાં ભિવંડીના ગોદામની માલકણ લક્ષ્મી અરવિંદ સુતારની જામીન અરજી મંજૂર કરી હતી. ગોદામમાં 14 જૂને આગ લાગી હતી, જેમાં એક જણનું મૃત્યુ થયું હતું.

કોર્ટે નોંધ્યું હતું કે આ ઘટનામાં બેદરકારી છે તેમ છતાં મહિલા આરોપી પર સદોષ મનુષ્યવધનો આરોપ લગાવી શકાય એવી સકારાત્મક બાબત એમાં જોવા મળતી નથી. મહિલા વતી એડ્વોકેટ વિકાસ પાટીલ-શિરગાંવકરે આગતરા જામીન અરજીમાં જણાવ્યું હતું કે સુતાર નિર્દોષ છે. તેણે આગ સામે સુરક્ષાની પૂરતી તકેદારી રાખી હતી. સુતાર તપાસમાં સહકાર આપશે અને તેનું ભાગી જવાનું જોખમ પણ નથી.

આ પ્રકરણે નારપોલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 324 (4), 287, 288 અને 105 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.જોકે મહિલાને જામીન આપવા સાથે સાક્ષીદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ ન કરવા, પરવાનગી વિના ભારત બહાર ન જવા તેમ જ દર સોમવારે સવારે 11થી બપોરે બે વાગ્યા સુધી નારપોલી પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની શરતો કોર્ટે રાખી હતી. આરોપનામું દાખલ થાય ત્યાં સુધી આ શરતોનું તેણે પાલન કરવાનું રહેશે. (પીટીઆઈ)

આ પણ વાંચો…ફરી ભિવંડીમાં લાગી ભયાનક આગઃ અહીંના ગોદામોને લીધે આગના બનાવો વધી રહ્યા છે

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button