બોરીવલીમાં રસ્તા પર પાર્ક કરેલા ટુ-વ્હીલરમાં આગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોરીવલી (પશ્ચિમ)માં મોક્ષ પ્લાઝા સામેના રોડ પર પાર્ક કરવામાં આવેલા ટુ-વ્હીલરોમાં શુક્રવારે બપોરના આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડે તુરંત આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
મળેલ માહિતી મુજબ શુક્રવારે મંગલ કુંજ બિલ્ડિંગ પાસે રોડ પર પાર્ક કરેલી બાઈકમાંથી એક ઈલેક્ટ્રિક બાઈકમાં અચાનક આગ ફાટી નીકળી હતી. દુર્ઘટના દરમિયાન અહીં ૩૦થી ૪૦ જેટલા ટુ-વ્હીલર પાર્ક કરવામાં આવ્યા હતા. આગની જાણ થતા ફાયરબ્રિગેડ, સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ આગને તાત્કાલિક નિયંત્રણમાં લેવામાં આવી હતી. જોકે આગમાં પાંચ બાઈક સંપૂર્ણરીતે બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. નોંધનીય છે કે ગયા વર્ષે આવી જ દુર્ઘટના લોઅર પરેલમાં ફિનિક્સ મોલના ખુલ્લા પાર્કિંગમાં બની હતી, જેમાં ૨૫થી ૩૦ વાહનોમાં આગ લાગી હતી.