થાણેમાં બિલ્ડિંગના મીટર બોક્સમાં આગ: કોઈ જાનહાનિ નહીં…

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે વેસ્ટમાં રેલવે સ્ટેશન બહાર આવેલી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરના મીટર બોક્સમાં શુક્રવારે મોડી રાતે આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું.
થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ થાણે (વેસ્ટ)માં સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એકની સામે દાદા પાટીલ વાડીમાં પૌર્ણિમા હાઉસિંગ સોસાયટી નામની ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઈમારતના મીટર બોક્સમાં શુક્રવારે મોડી રાતના ૧૧.૨૦ અચાનક આગ ફાટી નીકળી હતી.

ઘટના સ્થળે ફાયરબ્રિગેડ સહિત પોલીસે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. બિલ્ડિંગના મીટર બોક્સમાં કુલ ૧૭ મીટર હતા, તેમાથી ચાર મીટર અને કેબલ બળીને ખાખ થઈ ગયા હતા.
લગભગ ૧૫ મિનિટમાં એટલે કે ૧૧.૩૫ વાગે આગને નિયંત્રણમાં લાવવામાં સફળતા મળી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.