ડોંગરીમાં ગગનચુંબી ઈમારતમાં આગ: મહિલા ફાયરફાઈટર સહિત ત્રણ દાઝ્યા
સિલિન્ડર બ્લાસ્ટને કારણે આગ વધુ ફેલાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના ડોંગરી પરિસરમાં આવેલી બાવીસ માળની ઈમારતમાં ફાટી નીકળેલી આગે બબ્બે સિલિન્ડર બ્લાસ્ટને કારણે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે મોટી જાનહાનિ ટાળી શકાઈ હતી. જોકે આગને કારણે મહિલા ફાયરફાઈટર સહિત ત્રણ જણ ઘવાયા હતા.
ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ ડોંગરીમાં નિશાન પાડા રોડ પરની અન્સારી હાઈટ્સમાં બુધવારની બપોરે 1.10 વાગ્યા આસપાસ આગ ફાટી નીકળી હતી. બિલ્ડિંગના 10મા માળે આગ લાગ્યા પછી એલપીજી સિલિન્ડરના ધડાકાને કારણે આગ વધુ ફેલાઈ હતી.
આ પણ વાંચો: કલ્યાણની બહુમાળી ઇમારતના પંદરમા માળે લાગી ભીષણ આગ
આગમાં ફાયર બ્રિગેડની મહિલા કર્મચારી અંજલિ અમોલ જમદાડે (35)ના જમણે ખભે ઇજા થઈ હતી. જમદાડે મુંબઈ ફાયર બ્રિગેડના માંડવી સ્ટેશન સાથે સંકળાયેલી છે. ઈમારતના બે રહેવાસી નાસીર મુની અન્સારી (49) અને સમીન અન્સારી (44) દાઝ્યા હતા. સારવાર માટે ત્રણેયને જે. જે. હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. નાસીર 15 ટકા, જ્યારે સમીન બાવીસ ટકા દાઝ્યો હોવાનું ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ મહાનગરપાલિકાએ શરૂઆતમાં 15 માળની ઈમારતના 14મા માળે આગ લાગી હોવાની માહિતી આપી હતી. જોકે ફાયર બ્રિગેડ અનુસાર બાવીસ માળની ઈમારતમાં આગ લાગી હતી. આગને કારણે બે સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા, જેમાંથી એક 14મા માળે થયો હતો. સિલિન્ડર ફાટવાને કારણે ધડાકા થયા હતા, જેને પગલે છેક 18મા માળ સુધી આગ ફેલાઈ હતી.
દરમિયાન બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અને એમ્બ્યુલન્સ પણ આગને સ્થળે પહોંચી હતી. 12 ફાયર એન્જિન અને અન્ય વાહન અને સાધનોની મદદથી સાંજે પાંચ વાગ્યાની આસપાસ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગને ઠારવાનું કામ મોડી સાંજે પણ ચાલી રહ્યું હતું.
આ પણ વાંચો: Viral Video: મુંબઈમાં વધુ એક બહુમાળી ઈમારતમાં લાગી ભીષણ આગ, સિલિન્ડર વિસ્ફોટ
આગને કારણે દાદરના એરિયામાં ધુમાડો ફેલાઈ ગયો હોવાથી ઉપરના માળના રહેવાસીઓને સતર્કતા ખાતર બિલ્ડિંગની અગાશી પર જતા રહેવાની સૂચના આપવામાં આવી હતી.
અંધેરીમાં બિલ્ડિંગના છઠ્ઠા માળે આગ
અંધેરીમાં બિલ્ડિંગના છઠ્ઠા માળના ફ્લૅટમાં લાગેલી આગમાં સદ્નસીબે કોઈન ઈજા થઈ નહોતી. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ બુધવારની સવારે 8.40 વાગ્યે આગ લાગી હતી. અંધેરી પશ્ર્ચિમમાં સાત માળની ચિંચણ બિલ્ડિંગના છઠ્ઠા માળના ફ્લૅટમાં આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ થતાં ચાર ફાયર ફાઈટિંગ વાહન સાથે ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. લગભગ પંદર મિનિટમાં જ આગ ઓલવી નાખવામાં આવી હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.