કુર્લામાં ઓટો પાર્ટની દુકાનમાં આગ, ૨૦ દુકાનો રાખ, સાડા પાંચ કલાકની જહેમત બાદ આગ નિયંત્રણમાં આવી

(અમારા પ્રતિનિધી તરફથી)
મુંબઈ: કુર્લા (પશ્ર્ચિમ)માં કાપાડિયા નગરમાં સોમવારના વહેલી સવારના ઓટોમોબાઈલ સ્ટોરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં ૨૦ યુનિટ સ્ટોરેજ યુનિટ બળીને ખાખ થઈ ગયા હતા. લગભગ સાડા પાંચ કલાકની જહેેમત બાદ આગ નિયંત્રણમાં આવી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ કુર્લામાં કાપાડિયા નગરમાં સીએસટી રોડ પર ગુરુદ્વારા નજીક વહેલી સવારના ૨.૪૨ વાગે ઓટોમોબાઈલ સ્પેર પાર્ટના યુનિટમાં આગ ફાટી નીકળી હતી. આગની તીવ્રતા વધુ હોવાથી ૨.૫૭ વાગે તેને બે નંબરની જાહેર કરવામાં આવી હતી.
ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ લગભગ ૩,૦૦૦ સ્કવેર ફૂટ એરિયામાં આવેલા ૧૫થી ૨૦ ગાળામાં આગ ફેલાઈ હતી. મોટાભાગના ગાળા ગ્રાઉન્ડ પ્લસ એક માળના હતા. ૩,૦૦૦ ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલી ભંગાડની દુકાનમાં જમા કરવામાં આવેલા ઓટોમોબાઈલ સ્પેરપાર્ટસ, ટાયર, ઈલેક્ટ્રિકલ વાયરિંગ અને ઈન્સ્ટોલેશન, ભંગારનોસમય સહિત અન્ય વસ્તુઓમાં આગ ફેલાઈ ગઈ હતી.
ઘટના સ્થળે આગને બુઝાવવા માટે ફાયરબ્રિગેડના ૧૦ જમ્બો ટેન્કર, ચાર ફાયર એન્જિન, ત્રણ ફાયર ટેન્કર, એક ક્વિક રિસ્પોન્સ વેહિકલ સહિતના સાધનો સાથે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. એક ડિવિઝનલ ફાયર ઓફિસર, બે આસિસ્ટન્ટ ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત એક સિનિયર સ્ટેશન ઓફિસર અને અન્ય અધિકારીઓ બચાવ કામગીરી દરમ્યાન હાજર હતા.
વહેલી સવારના લગભગ ૭.૨૪ વાગે સાડા પાંચ કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું. આગનું ચોક્ક કારણ તપાસ બાદ જણાશે એવું પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો…શહાપૂરમાં પ્લાસ્ટિકની ફેકટરીમાં ભીષણ આગ