થાણેમાં બહુમાળીય બિલ્ડિંગની બાલ્કનીમાં ફટાકડાને કારણે લાગી આગ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે (વેસ્ટ)માં બૅસિલિઅસ ટાવરના ૩૧ માળ પર બાલ્કનીમાં ફટાકડાના તણખાને કારણે આગ લાગી હતી, જેમાં સોફો અને લાકડાનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું. સદ્નસીબે કોઈને ઈજા પહોંચી નહોતી. થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ થાણેના ઘોડબંદર રોડ પર પાતલીપાડામાં હિરાનંદાની એસ્ટેટમાં બૅસિલિઅસ ટાવર આવેલો છે.
સોમવારે રાતના લગભગ પોણા અગિયાર વાગ્યાની આસપાસ ૩૧ માળા પર આવેલા ફ્લેટની બાલ્કનીમાં ફટાકડાનો તણખો આવી જતા ત્યાં રહેલો સોફો અને ફર્નિચરમાં આગ પકડાઈ ગઈ હતી. બિલ્ડિંગના રહેવાસીની મદદથી ફાયરબ્રિગેડે આગ તરત બુઝાવી દીધી હતી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ દિવાળી તહેવાર હોઈ ફટાકડા ફોડવાને કારણે તેના તણખા અનેક વખત બિલ્િંડગના ઉપરના માળા પર ફ્લેટમાં ઊડીને જતા હોય છે અને આવી આગની દુર્ઘટના બનતી હોય છે. તેથી નાગરિકોએ રહેણાંક વિસ્તારને બદલે ખુલ્લા મેદાનમાં ફટાકડા ફોડવા યોગ્ય રહેશે.
ઘાટકોપરમાં આગમાં બે કાર બળીને ખાખ
દિવાળી દરમ્યાન ફટાકડાને કારણે આગ લાગવાનું જોખમ વધી જતું હોય છે. મુંબઈમાં સોમવારે મોડી રાતે ફટાકડાને કારણે બે કારમાં આગ લાગી હતી, જેમાં બંને કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ સોમવારે રાતના ઘાટકોપરમાં નિત્યાનંદ નગરમાં આરોગ્યદાયી હૉસ્પિટલ નજીક વેદાંત બિલ્ડિંગ આવેલી છે. બિલ્િંડગમાં નીચે પાર્ક કરેલી કારમાં સોમવારે રાતના ૧૧.૩૦ વાગે ફટાકડાને કારણે આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગ્રેડે પહોંચીને આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું.