આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં ભડકાઉ ભાષણ કરવા બદલ ભાજપના વિધાનસભ્ય સામે એક નહીં બે એફઆઈઆર નોંધાઈ…

મુંબઇઃ રવિવારે અહમદનગર જિલ્લાના શ્રીરામપુર અને તોપખાના પોલીસ કાર્યક્ષેત્રમાં 2 અલગ-અલગ કાર્યક્રમમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ ભાજપના વિધાન સભ્ય નિતેશ રાણે વિરુદ્ધ બે એફઆઈઆર નોંધવામાં આવી છે. નિતેશ રાણેએ ગઈકાલે અહમદનગરમાં સકલ હિન્દુ સમાજના આંદોલનમાં ભાગ લીધો હતો અને તેમના ભાષણો એ કાર્યક્રમનો એક ભાગ હતા.

આ પણ વાંચો : પુણેમાં પૂર્વ NCP કોર્પોરેટરની જાહેરમાં ગોળી મારી હત્યાથી ખળભળાટ, કાયદો અને વ્યવસ્થા પર સવાલ

ધાર્મિક ગુરુ રામગીરી મહારાજના સમર્થનમાં રવિવારના રોજ મહારાષ્ટ્રના અહમદનગરમાં સકલ હિન્દી સમાજ આંદોલન થયું હતું. રામગીરી મહારાજના સમર્થનમાં મોરચો કાઢવામાં આવ્યો હતો. આ મોરચા બાદ નિતેશ રાણેની બેઠક યોજાઇ હતી, જેમાં તેમણે મુસ્લિમોને ખુલ્લે આમ ધમકી આપી હતી. ભાજપના વિધાન સભ્ય નિતેશ રાણેએ કહ્યું હતું કે- જો કોઈ અમારા મહંત રામગીરી મહારાજ વિરુદ્ધ કંઈ પણ બોલશે તો તેઓ મસ્જિદમાં ઘૂસીને તેમને વીણી વીણીને મારી નાખશે.

નોંધનીય છે કે મહંત રામગીરી મહારાજે મુસ્લિમ સમાજના પયગંબર વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રામગીરી મહારાજ સામે મોરચો કાઢવામાં આવ્યો હતો. ત્યાર બાદ હવે અહમદ નગર જિલ્લામાં સમગ્ર હિંદુ સમુદાય વતી રામગીરી મહારાજના સમર્થનમાં નિતેશ રાણેના નેતૃત્વમાં મોરચો કાઢવામાં આવ્યો હતો, જેમાં તેમણે આક્રમક અને ભડકાઉ ભાષણ આપ્યું હતું. રાણેના ભાષણનો વીડિયો સામે આવ્યા બાદ તેમની સામે FIR નોંધવામાં આવી છે.

આ મામલે AIMIM નેતા વારિશ પઠાણે આક્ષેપ કર્યો હતો કે ભાજપ ચૂંટણી પહેલા રાજ્યમાં સાંપ્રદાયિક હિંસા કરાવવા માગે છે. રાણેનું ભાષણ ભડકાઉ છે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.


દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button