કોમેડિયન સુનીલ પાલના અપહરણનાચાર દિવસ પછી એફઆઈઆર નોંધાયો…
અપહરણ અને આઠ લાખની ખંડણી વસૂલવાનો પાંચથી છ અપહરણકાર વિરુદ્ધ ગુનો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જાણીતા કોમેડિયન સુનીલ પાલના કથિત અપહરણની ઘટનાના ચાર દિવસ પછી સાંતાક્રુઝ પોલીસે પાંચથી છ અજાણ્યા અપહરણકાર વિરુદ્ધ અપહરણ અને ખંડણી વસૂલવાનો ગુનો નોંધ્યો હતો. હરિદ્વારના ઢાબા પરથી અપહરણ બાદ બે દિવસ એક રૂમમાં બંધક બનાવી અપહરણકારોએ આઠ લાખ રૂપિયા વસૂલ્યા હોવાનો દાવો પાલે કર્યો હતો.
આ પણ વાંચો : ગૃહ મંત્રાલયના બદલામાં એકનાથ શિંદેને 3 વિકલ્પ?ભાજપના સૂત્રોનો દાવો…
વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ શુક્રવારે રાતે સુનીલ પાલને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશમાં બોલાવવામાં આવ્યો હતો. પત્ની સરિતાની ફરિયાદ પ્રકરણે સુનીલ પાલનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. પાલના નિવેદનને આધારે અપહરણ અને આઠ લાખ રૂપિયાની ખંડણી વસૂલવા પ્રકરણે પોલીસે ઝીરો એફઆઈઆર નોંધ્યો હતો. વધુ તપાસ માટે કેસ મેરઠ પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
કોમેડિયન સુનીલ પાલે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે હરિદ્વારમાં તેનો એક શો બુક કરવામાં આવ્યો હતો. બીજી ડિસેમ્બરે તે મુંબઈથી ફ્લાઈટમાં હરિદ્વાર ગયો હતો. ઍરપોર્ટ પર લેવા આવેલી કારે પાલને હરિદ્વારના એક ઢાબા પર છોડ્યો હતો. ઢાબા પાસે પાલ ઊભો હતો ત્યારે ત્યાં બીજી કાર આવી હતી. આ કારમાં પાલને જબરદસ્તી બેસાડવામાં આવ્યો હતો અને તેની આંખ પર પટ્ટી બાંધવામાં આવી હતી.
કારમાં તેને નિર્જન સ્થળે લઈ જવામાં આવ્યો હતો અને એક રૂમમાં બંધક બનાવી રાખવામાં આવ્યો હતો. પાલની આંખ પર બાંધેલી પટ્ટી ખોલ્યા પછી અપહરણકારોએ 20 લાખ રૂપિયાની માગણી કરી હતી. રૂપિયા ન આપે તો હત્યા કરી મૃતદેહ નદીમાં ફેંકવાની ધમકી આપવામાં આવી હતી. પોતાની પાસે આટલી રકમ ન હોવાથી મિત્રો અને સગાંસંબંધી પાસેથી મગાવી આપું છું, એવું પાલે અપહરણકારોને કહ્યું હતું.
અપહરણકારે પાલને તેનો મોબાઈલ પાછો આપ્યો હતો. પાલે પત્ની, મિત્રો અને સગાંને વ્હૉટ્સઍપ મેસેજ કરી પોતાના બૅન્ક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવાની માગણી કરી હતી. મિત્રોએ ટ્રાન્સફર કરેલા આઠ લાખ રૂપિયા અપહરણકારોને આપી પાલે પોતાનો છુટકારો કરાવ્યો હતો. રૂપિયા મળ્યા પછી અપહરણકારો પાલને મેરઠના માર્ગ પર છોડી ફરાર થઈ ગયા હતા, એમ પાલે પોલીસને કહ્યું હતું.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ 11 કે 12 ડિસેમ્બરે
મેરઠથી ગાઝિયાબાદ અને ત્યાંથી દિલ્હી જઈ ફ્લાઈટમાં બુધવારે પાલ મુંબઈ પાછો ફર્યો હતો. દરમિયાન પાલનો સંપર્ક તૂટતાં મંગળવારે તેની પત્ની સરિતાએ સાંતાક્રુઝ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. સુનીલ પાલનું અપહરણ કરાયું હોવાની શંકા પત્નીએ વ્યક્ત કરી હતી. પોલીસ કોઈ ફરિયાદ નોંધે તે પહેલાં પોલીસનો પાલ સાથે સંપર્ક થયો હતો. પોતે સહીસલામત હોઈ મુંબઈ આવ્યા પછી તેની સાથે બનેલી ઘટનાની જાણ કરીશ, એવું પાલે મંગળવારે કહ્યું હતું. બુધવારે મુંબઈ પહોંચ્યા પછી પણ પાલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયો નહોતો. માત્ર સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી તેના અપહરણની વાત કરી હતી.