નાણાં પ્રધાન સીતારમણે કર્યો એસી લોકલમાં પ્રવાસ

મુંબઈ: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ શનિવારે મુંબઈમાં હતા અને આ સમયે એક અનોખી પહેલ શરૂ કરતાં મધ્ય રેલવેના ઘાટકોપર રેલવે સ્ટેશનથી કલ્યાણ સુધી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ દરમિયાન તેમણે મુંબઈગરા સાથે રોજબરોજ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાનો અનુભવ પણ લીધો હતો. નિર્મલા સીતારમણે લોકલમાં પ્રવાસના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર પોસ્ટ કર્યા હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરેલાં ફોટોમાં નાણા પ્રધાન પ્રવાસીઓથી ઘેરાયેલા જોવા મળ્યા હતા. તેમણે આ પ્રવાસ દરમિયાન સેલ્ફી ક્લિક કરીને વાતચીત પણ કરી હતી. લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી રહેલાં પ્રવાસીઓ પણ નાણાં પ્રધાનને પોતાની સાથે મુસાફરી કરતાં જોઈને એકદમ ખુશ થઈ ગયા હતા.
નાણાં પ્રધાને પ્રવાસીઓના સવાલના જવાબો આપ્યા હતા અને તેમણે સરકાર દ્વારા લેવામાં આવી રહેલાં પગલાં વિશે પણ પ્રવાસીઓ સાથે ચર્ચા કરી હતી. એટલું જ નહીં તેમણે એવું પણ જણાવ્યું હતું કે તેઓ પ્રવાસીઓને પડી રહેલી મુશ્કેલીઓને સમજે છે અને આ મુશ્કેલીઓને દૂર કરવા માટે આવશ્યક તમામ પગલાં લેવામાં આવશે.
સોશિયલ મીડિયા પર નિર્મલા સીતારમણના વાઈરલ થઈ રહેલાં ફોટો અને વીડિયોને જોઈને લોકો એમના વખાણ કરતાં નથી થાકી રહ્યા અને તેઓ નાણાં પ્રધાનની આ પહેલના વખાણ કરી રહ્યા છે. લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કમેન્ટ કરતાં એવું લખી રહ્યા છે કે આને કારણે નેતાઓ અને આમ આદમી વચ્ચે રહેલી ખાઈ પૂરાઈ જશે. કેટલાક લોકોએ એવું પણ જણાવ્યું હતું કે સીતારમણના આ પગલાંને કારણે એવું સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેઓ જમીન સાથે જોડાયેલાં નેતા છે અને લોકોની સમસ્યા સમજે છે.
જોકે, આ પહેલી વખત નથી કે આ રીતે કોઈ પ્રધાને મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી હોય. આ પહેલાં ૨૦૨૨માં રેલવે પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે પણ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી હતી.