મેટ્રો થ્રીનો અંતિમ તબક્કો શરૂ: આરેથી કફ પરેડ સુધીની મુસાફરી પૂર્વે જાણો ટાઇમટેબલ અને ભાડું

મુંબઈઃ મુંબઈની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેનનો અંતિમ કોરિડોરનું આજે વિધિવત રીતે ઉદ્ધાટન કરવામાં આવ્યું, જે આવતીકાલથી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે. પ્રસ્તાવિત મેટ્રો-થ્રી-ના ટૂબી કોરિડોરમાં ટ્રાવેલ કરવા ઈચ્છતા હોય તો જાણી લો મહત્ત્વની વિગતો, જેનાથી તમારી મુસાફરી વધુ સરળ બની શકે છે.
એકવા લાઈનનો અંતિમ તબક્કો શરુ
વરલી (આચાર્ય અત્રે ચોક)થી કફ પરેડ (ફેઝ 2B) વચ્ચે મુંબઈ મેટ્રો લાઇન 3ના અંતિમ તબક્કા 2Bનું ઉદ્ઘાટન આખરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે આજે થયું. એક્વા લાઇન તરીકે ઓળખાતી આ લાઈનનો 10.99 કિમીનો આખરી તબક્કો શરૂ થયા બાદ, ઉત્તર મુંબઈના આરેથી દક્ષિણ મુંબઈના કફ પરેડ સુધીનો 33.5 કિમીનો સંપૂર્ણ કોરિડોર કાર્યરત થશે. 37,270 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ સંપૂર્ણ કોરિડોરની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ.
કેટલા સ્ટેશન છે
મુંબઈ મેટ્રો લાઇન 3 કોરિડોર પર કુલ 27 સ્ટેશન છે અને આરે (JVLR) સિવાય બધા સ્ટેશન ભૂગર્ભમાં છે. જે ઉત્તરીય ઉપનગરો ને દક્ષિણ મુંબઈ સાથે જોડે છે. આરે (JVLR) – SEEPZ – MIDC – મરોલ નાકા – CSMIA T2 – સહાર રોડ – CSMIA T1 – સાંતાક્રુઝ – વિદ્યાનગરી – BKC (બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ) – ધારાવી – શીતલાદેવી મંદિર – દાદર – સિદ્ધિવિનાયક મંદિર – વર્લી – આચાર્ય અત્રે ચોક – સાયન્સ મ્યુઝિયમ – મહાલક્ષ્મી – જગન્નાથ શંકર શેઠ મેટ્રો – ગ્રાન્ટ રોડ – ગિરગાંવ – કાલબાદેવી – છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) – હુતાત્મા ચોક – ચર્ચગેટ – વિધાન ભવન – કફ પરેડ.
મેટ્રો ટ્રેનનું ટાઈમટેબલ
આનું સમયપત્રક વહેલી સવારના પ્રવાસીઓ અને મોડી રાતના પ્રવાસીઓ બંનેને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આરે JVLR અને કફ પરેડથી પહેલી ટ્રેન સવારે 5:55 વાગ્યે ઉપડશે. છેલ્લી ટ્રેન રાત્રે 10:30 વાગ્યે ઉપડશે અને લગભગ 11:25 વાગ્યે ટર્મિનલ સ્ટેશનો પર પહોંચશે. ટ્રેનો દર પાંચ મિનિટે દોડશે, જેનાથી સમગ્ર રૂટ પર સરળ અને સમયસર મુસાફરી સુનિશ્ચિત થશે.
ભાડુંઃ ભાડું મુસાફરોને પોસાય તેવા રાખવામાં આવ્યું છે. લઘુત્તમ ભાડું દસ રુપિયાથી શરૂ થાય છે અને સમગ્ર સિંગલ સાઈડ (ફર્સ્ટથી લાસ્ટ સ્ટેશન) મુસાફરી માટે રૂ. 70 છે.
મુસાફરીનો સમયઃ આરેથી કફ પરેડ સુધીની સંપૂર્ણ મુસાફરી લગભગ ૧ કલાકમાં પૂર્ણ થશે જે સામાન્ય રીતે દોઢ કલાક લાગે છે.
મેટ્રો 3 લાઇન મુખ્ય વિસ્તારોને જોડે છેઃ આ પહેલી વાર છે જ્યારે મેટ્રો લાઇન કાલબાદેવી, ગિરગાંવ અને કફ પરેડ સહિતના તમામ વ્યવસાયિક કેન્દ્રો, મનોરંજન ક્ષેત્ર અને એરપોર્ટને એક જ યાત્રામાં જોડશે.
ઊર્જાની બચતઃ આ પ્રોજેક્ટ કાર્યક્ષમતા અને ટકાઉપણું પર ધ્યાન કેન્દ્રિત કરીને વિકસાવવામાં આવ્યો છે, જેમાં દરેક સ્ટેશન પર ઊર્જા બચત પ્રણાલીઓ અને વિશ્વ કક્ષાની યાત્રી સુવિધાઓનો સમાવેશ થાય છે. તે દર વર્ષે 2.61 લાખ ટન C02 ઉત્સર્જન બચાવશે.



