40 બેઠકો પર મહાવિકાસ આઘાડીની બેઠકોની વહેંચણી ફાઈનલ
વિવાદમાં રહેલી આઠ બેઠકમાં મુંબઈની બે બેઠકોનો સમાવેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણીનો મુદ્દો ઘણા વખતથી પડતર છે અને તેને કારણે ત્રણેય પક્ષો વચ્ચે બધું આલબેલ ન હોવાની અને મહાવિકાસ આઘાડી તૂટી પડવાની શક્યતા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ બુધવારે પક્ષની સમન્વય બેઠકમાં 40 બેઠકની વહેંચણી પર અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું, જોકે હજી આઠ બેઠક પર ત્રણેય પક્ષોમાં સમાધાન થયું નથી અને આમાં બે બેઠકો મુંબઈની હોવાનું જાણવા મળ્યું છે.
મહાવિકાસ આઘાડીની બુધવારની બેઠકમાં રાજ્યની લોકસભાની 48 બેઠકોમાંથી 40 બેઠક પર ક્યો પક્ષ ઉમેદવારી કરશે તે ફાઈનલ થઈ ગયાનું જણાવવામાં આવ્યું છે. અત્યારે જે આઠ બેઠકો પર વિવાદ થઈ રહ્યો છે તેના દાવેદારોમાં કૉંગ્રેસ અને શિવસેના (યુબીટી) હોવાનું આંતરિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ ઉપરાંત હજી પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડી અને રાજુ શેટ્ટીની સ્વાભિમાની શેતકરી સંગઠનનો પણ મહાવિકાસ આઘાડીમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાથી તેમની બેઠકોનો નિર્ણય પણ બાકી છે.
અત્યારે મળતી માહિતી અનુસાર બીજી ફેબ્રુઆરી પહેલાં જો આ આઠ બેઠકનો વિવાદ ઉકેલાશે નહીં તો ત્રણેય પક્ષના મોવડીમંડળ સમક્ષ આ વહેંચણીનો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવશે.
વંચિત બહુજન આઘાડી અને સ્વાભિમાની શેતકરી સંગઠનને એક-એક બેઠક આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો, પરંતુ આ બંને બેઠકો શિવસેનાના ક્વોટામાંથી આપવાની રહેશે એવું અત્યારે નક્કી કરવામાં આવ્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 40 બેઠકોમાંથી કોંગ્રેસ 14 બેઠકો પર ઉમેદવાર આપશે, જ્યારે એનસીપી નવ બેઠક પર ઉમેદવાર ઊભા રાખશે. શિવસેનાને ફાળે અત્યારે સૌથી વધુ 17 બેઠક આપવામાં આવી છે. જેમાંથી સાથી પક્ષોને તેમણે બે બેઠકો આપવાની રહેશે આમ શિવસેના (યુબીટી) પંદર અને બે સાથી પક્ષોની બેઠક રહેશે.
અત્યારે જે આઠ સીટો પર વિવાદ છે તેમાં રામટેક, હિંગોલી, વર્ધા, ભિવંડી, જાલના અને શિર્ડીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુંબઈની બે બેઠકો મુંબઈ દક્ષિણ-મધ્ય તેમ જ મુંબઈ ઉત્તર-પશ્ર્ચિમ બેઠક માટે કૉંગ્રેસ અને શિવસેના બંનેએ દાવો કર્યો છે.