
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની સાંકડી ગલીઓમાં પાર્ક કરેલા વાહનોને કારણે આગ બુઝાવવાની કામગીરીમાં વિલંબ થયો હોવાના અનેક બનાવ ભૂતકાળમાં બન્યા હોઈ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીએ અધિકારીઓને સંબંધિતો સામે પોલીસમાં ફરિયાદ નોંધવાનો નિર્દેશ આપ્યો છે. આ કાર્યવાહી ખાસ કરીને બેદરકારીપૂર્વક રસ્તા પર વાહનો પાર્ક કરનારા સામે કરવામાં આવવાની છે.
આગ લાગે ત્યારે કટોકટીના ગોલ્ડન અવર્સમાં પ્રત્યેક મિનિટ કિંમતી હોય છે પણ તાજેતરના વર્ષોમાં મુંબઈની સાંકડી ગલીઓ, ભીડવાળા અને વળાંકવાળા રસ્તાઓ પર ગમે ત્યાં આડેધડ વાહનો પાર્ક કરવાને કારણે ફાયરબ્રિગેડની ગાડીઓ સમયસર પહોંચી શકતી ન હોવાના બનાવ બન્યા છે, તેને કારણે લોકોના જીવન જોખમમાં મુકાયા હોવાના બનાવ પણ બન્યા છે. તેથી આવા પડકારોનો સામનો કરવા માટે મુંબઈ ફાયરબ્રિગેડે ૨૦૨૧માં મિની ફાયર સ્ટેશન અને કોમ્પેક્ટ ફાયર એેન્જિન લાવી હતી, જેનાથી ગીચ વસતીવાળા વિસ્તાર અને સાંકડા રસ્તામાંથી ઝડપથી પહોંચી શકાય.છતાં હજી પણ અનેક વિસ્તારોમાં ગમે ત્યાં પાર્ક કરેલા વાહનોને કારણે ફાયરબિગ્રેડની બચાવકામગીરીમાં અવરોધો આવવાનું ચાલુ જ છે.
અંધેરી(વેસ્ટ)માં ૩૦ જૂન, ૨૦૧૬ના એક મેડિકલ સ્ટોરમાં લાગેલી ભીષણ આગમાં નવના મોત થયા હતા. એ સમયે મિની ફાયર વેહિકલ્સ અને ફાયર બાઈકને તાત્કાલિક ફાયરબિગ્રેડના કાફલામાં લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જ્યાં સુધી મોટા વાહનો ઘટના સ્થળે ના પહોંચે આ નાના વાહનો આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરી શકે. છતાં જયારે મોટી આગ લાગી હોય ત્યારે મહત્ત્વના અને મોટા ફાયરબ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચે તે આવશ્યક હોવાનું જણાવતા મુંબઈ ફાયર બ્રિગેડના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે બહુમાળીય બિલ્ડિંગમાં પણ અનેક વખતે ગમે તેમ વાહનો પાર્ક કરવામાં આવ્યા છે, તેને કારણે પણ ફાયરબ્રિગેડની બચાવકામગીરીમાં અડચણ આવતી હોય છે અને ત્યારબાદ રેસ્ક્યુ ઓપરેશનમાં વિલંબ થ્ાવા બદલ ફાયરબ્રિગેડની ટીકા કરવામાં આવતી હોય છે.
આ દરમ્યાન બુધવારે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ ઉચ્ચ અધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં ફાયરબ્રિગેડના અધિકારીઓને કડક પગલા અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી કરીને સાંકડી ગલીમાં લોકો ગમે ત્યાં વાહનો પાર્ક કરતા બંધ થાય. એ સાથે જ કમિશનરે ટ્રાફિક અને રાહદારીઓને અવરોધતા ત્યજી દેવામાં આવેલા વાહનો અને ભંગારના સામાનને તાત્કાલિક દૂર કરવા માટેનો પણ નિર્દેશ આપ્યો હતો. તેમ જ ભીડવાળા વિસ્તાર અને રેલવે સ્ટેશનો પર ગેરકાયદે અંડિગો જમાવી બેસેલા ફેરિયાઓને હટાવવા માટે વોર્ડ સ્તરે કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
આ પણ વાંચો…કસારા જતી લોકલ ટ્રેન સર્વિસ ઠપ