હાઈવે પર રેસિંગ કરનારા બાવન બાઈકસવાર ઝડપાયા: 34 બાઈક જપ્ત
મુંબઈ: વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વિશેષ ઝુંબેશ હાથ ધરી ખેરવાડી પોલીસે સોમવારના મળસકે રેસ અને સ્ટન્ટ કરનારા બાવન બાઈકસવારની ધરપકડ કરી 34 બાઈક જપ્ત કરી હતી. તહેવારની રાતે આડેધડ બાઈક ચલાવનારાઓ સામે કાર્યવાહી કરવા માટે પોલીસે ખેરવાડી જંક્શનથી મિલન સબવે સુધી આ ઑપરેશન હાથ ધરાયું હતું.
મળેલી માહિતીને આધારે પોલીસે બાન્દ્રાથી અંધેરી સુધી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર રવિવારની મધરાતથી સોમવારના મળસકે ચાર વાગ્યા સુધી સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી હતી. ઝોન-8ના ડેપ્યુટી પોલીસ કમિશનર દીક્ષિતકુમાર ગેદામની સૂચનાથી ઝોનનાં દરેક પોલીસ સ્ટેશનના અધિકારીઓને જોખમી રીતે બાઈક ચલાવી સ્ટન્ટ કરનારાઓ સામે કાર્યવાહીનો આદેશ અપાયો હતો.
આ પણ વાંચો: વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના રસ્તાની સફાઈને મુદ્દે પાલિકાના અધિકારીને શો-કોઝ નોટિસ
ખેરવાડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે બાવન બાઈકસવાર વિરુદ્ધ બે એફઆઈઆર નોંધવામાં આવ્યા હતા. સ્પીડમાં અને બેદરકારીથી બાઈક ચલાવવા બદલ તેમની સામે કાર્યવાહી કરાઈ હતી. પકડાયેલાઓમાં 17 વર્ષના કિશોરથી 22 વર્ષના યુવાનનો સમાવેશ થાય છે. બાઈક ચલાવનારા અને બાઈક પર પાછળ બેસેલાઓ સામે પણ કાર્યવાહી કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.