લોકમાન્ય ટિળક ટર્મિનસમાં ભીષણ આગ, કેન્ટિનનો સામાન બળીને ખાખ
બહારગામની ટ્રેનો ૧૫થી ૨૦ મિનિટ મોડી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કુર્લામાં આવેલા લોકમાન્ય ટિળક ટર્મિનસ સ્ટેશન પર બુધવારે બપોરના ભીષણ આગ લાગવાની દુર્ઘટના બની હતી. ફાયરબ્રિગેડને આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. સદ્ભાગ્યે આગમાં કોઈ જખમી થવાનું કે જાનહાનિનો બનાવ બન્યો નહોતો. જોકે આગની દુર્ઘટનાને કારણે લોકમાન્ય ટિળક ટર્મિનસથી ઉપડતી બહારગામની ટ્રેનોના ઉપડવાના સમયમાં વિલંબ થયો હતો.
પૂર્વ ઉપનગરમાં કુર્લામાં આવેલા લોકમાન્ય ટિળક ટમિર્નસ પર બપોરના ત્રણ વાગ્યાની આસપાસ પ્લેટફોર્મ નંબર એક પર પહેલા માળે આવેલી જનહાર કેન્ટિનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની સાથે જ તુરંત બુકિંગ કાઉન્ટર સહિતના વિસ્તારમાં રહેલા પ્રવાસીઓને ત્યાંથી હટાવીને વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો. આગ લાગ્યા બાદ તેના ધુમાડા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા.
આગની જાણ થતા જ ફાયરબ્રિગેડના પાંચ ફાયર ઍન્જિન, પાંચ જેટી, એક વોટર ટેન્કર, બે ક્વિક રિસ્પોન્ટ વેહિકલ સહિતના સાધનો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
કેન્ટિનમાં આગ લાગ્યા બાદ તે ઝડપથી ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશન, લાકડાના પાર્ટિશન, ફોલ્સ સિલિંગ સહિત કેન્ટિનમાં રહેલા લાકડાના ટેબલ, લાકડાની ખુરશી, કાચનો અને લાકડાનો દરવાજો સહિત ત્યાં રહેલા લાકડાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ પ્લેટફોર્મ નંબર એક પર ગ્રાઉન્ડ પ્લસ એક માળની કેન્ટિનનો વિસ્તાર ૨,૦૦૦ થી ૨,૫૦૦ સ્કવેર ફૂટમાં ફેલાયલો છે, જેમાં આગ પહેલા માળે લાગી હતી. આગમાં મોટા પ્રમાણમાં માલસામાનનું નુકસાન થયું હતું. સદ્નસીબે કોઈને પણ ઈજા પહોંચી નહોતી.
ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ અઢીથી ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોકે કુલિંગ ઓપરેશન મોડે સુધી ચાલી રહ્યું હતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. તપાસ બાદ આગનું ચોક્કસ કારણ જાણી શકાશે.
રેલવેના જણાવ્યા મુજબ આગને કારણે કોઈ જખમી થવાનો બનાવ બન્યો નહોતો, પરંતુ આગ લાગ્યા બાદ થોડા સમય માટે તકેદારીના પગલારૂપે ઓવરહેડ વાયરને કરવામાં આવતો વિદ્યુત પુરવઠો થોડા સમય માટે ખંડિત કરવામાં આવ્યો હતો. તેને કારણે ટર્મિનસથી ઉપડતી બહારગામની ટ્રેનો ૧૫થી ૨૦ મિનિટ મોડી પડી હતી.