Fengal Effect?: મુંબઈમાં ઝરમર વરસાદ, રાજકીય ગરમાવા વચ્ચે પ્રસરી ગઇ ઠંડક

મુંબઇઃ ફૂલ ગુલાબી આછેરી ઠંડીની મઝા માણતા મુંબઇગરાઓ રાતે સુઇને આજે સવારે જ્યારે ઉઠ્યા ત્યારે મુંબઇ શહેરમાં ચોમાસું પ્રવેશી ગયું હતું. આકાશ ગોરંભાયેલું હતું. ઠંડીની સિઝન માણવી કે પછી વરસાદી માહોલને વધાવવો એની અસંમજસમાં લોકો પડ્યા હતા. મુંબઇમાં હજી તો માંડ માંડ ઠંડી શરૂ થઇ હતી ત્યાં અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો છે. ગઈ કાલે આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ બુધવાર વહેલી સવારે અનેક વિસ્તારમાં વરસાદના ઝાપટાં પડી ગયાં હતાં. સવારના સમયમાં ઓફિસ અને સ્કૂલ કૉલેજ જનારા અચાનક આવી પડેલા વરસાદના ઝાપટાંથી ચોંકી ગયા હતા.
સવારના અનેક વિસ્તારમાં વરસાદ પડતાં રસ્તા ભીના થઇ ગયા હતા. હવામાન વિભાગ નાં કહેવા મુજબ ફેંગલ વાવાઝોડા ની અસર હેઠળ મુંબઈ સહિત મહારાષ્ટ્રનાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાવાઝોડા ની અસર હેઠળ જ મુંબઇમાં સવારના હળવા ઝાપટાં પડ્યાં છે. મુંબઈ માં હજી ૨-૩ દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે. આ દરમિયાન લઘુતમ તાપમાનમાં પણ વધારો થયો હતો. સાંતાક્રુઝ માં લઘુતમ તાપમાન ૨૫ ડિગ્રી નોંધાયું હતું. કોલાબા વેધશાળામાં મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
Also Read – ફડણવીસને મળ્યા બાદ શિંદે ડે. સી.એમ બનવા થયા તૈયાર!
IMDના મુંબઈ હવામાન અપડેટ મુજબ આગામી 24 કલાકમાં શહેર અને તેના ઉપનગરો માટે “સવારના કલાકો દરમિયાન ધુમ્મસ અને બપોર/સાંજ સુધી અંશતઃ વાદળછાયું આકાશ” રહેવાની આગાહી કરવામાં આવી છે.