કલ્યાણમાં પ્રવાસીએ કરેલી મારપીટમાં મહિલા ટિકિટ બુકિંગ ક્લર્ક બેભાન
સુરક્ષાને પ્રશ્ર્ને કર્મચારીઓએ કલ્યાણ સ્ટેશને વિરોધ પ્રદર્શન કર્યું
થાણે: છુટ્ટા નાણાંને મુદ્દે થયેલા વિવાદમાં પ્રવાસીએ કૅબિનમાં ઘૂસી મહિલા ટિકિટ બુકિંગ ક્લર્કની બેરહેમીથી પીટાઈ કરી હોવાની ઘટના કલ્યાણમાં બની હતી. આ હુમલામાં મહિલા બેભાન થઈ ગઈ હતી, જ્યારે પ્રવાસીને પોલીસે તાબામાં લીધો હતો. ઘટનાને પગલે સુરક્ષાનો મુદ્દો ઉઠાવી કર્મચારીઓએ કલ્યાણ સ્ટેશને વિરોધ પ્રદર્શન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
કલ્યાણ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારની બપોરે કલ્યાણ રેલવે સ્ટેશને બની હતી. રોશની પાટીલ ટિકિટ કાઉન્ટર પર ફરજ બજાવી રહી હતી ત્યારે આરોપી અન્સાર શેખ લોકલ ટ્રેનની ટિકિટ કઢાવવા આવ્યો હતો. ટિકિટ લીધા પછી છુટ્ટા નાણાંને મુદ્દે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી.
આપણ વાંચો: તલાસરીમાં બેરહેમીથી પીટાઈ કરી વૃદ્ધની હત્યા: દંપતી સહિત ત્રણની ધરપકડ
ઉગ્ર બોલાચાલી પછી મામલો મારપીટ સુધી પહોંચ્યો હતો. ગુસ્સામાં શેખ ટિકિટ કાઉન્ટરના દરવાજાને ધક્કો મારી કૅબિનમાં ઘૂસ્યો હતો. રોશની પાટીલને અપશબ્દો બોલ્યા પછી આરોપીએ તેની પીટાઈ કરી હતી. પંચ અને લાત મારવાને કારણે પાટીલ બેભાન થઈ ગઈ હતી.
ટિકિટ કાઉન્ટર પર હાજર અન્ય કર્મચારીઓએ પોલીસને જાણ કરી હતી. પાટીલને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ પ્રકરણે કલ્યાણ જીઆરપીએ શેખને તાબામાં લઈ તેની વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. મારપીટ દરમિયાન પાટીલનો સોનાનો હાર ચોરાયો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું હતું.
દરમિયાન ઘટનાને પગલે રેલવેના કર્મચારીઓએ કલ્યાણ સ્ટેશને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સમજાવટને પગલે વિરોધ પ્રદર્શન અમુક મિનિટો સુધી જ ચાલ્યું હોવાનું કહેવાય છે. કામના સ્થળે રેલવેના કર્મચારીઓને સુરક્ષા પૂરી પાડવાની વિનંતી સરકારને કરવામાં આવી હતી. (પીટીઆઈ)