મધ્ય રેલવેમાં નવાજૂનીના એંધાણ, આ તારીખના પ્રવાસીઓ કરશે આંદોલન
મુંબઈ: એક કે બીજા કારણસર મધ્ય રેલવેમાં સતત ટ્રેનના ધાંધિયા એ સેન્ટ્રલ લાઇનમાં રહેતા મુંબઈગરાઓની રોજિંદા જીવનનો હિસ્સો બની ગયો હોય તેવી સ્થિતિ છે ત્યારે મધ્ય રેલવેમાં ચાલતા લોલમલોલ કારભાર સામે હવે પ્રવાસીઓનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે અને પ્રવાસીઓએ મધ્ય રેલવે પ્રશાસન સામે બાંયો ચઢાવવાનું નક્કી કર્યું છે. મધ્ય રેલવેમાં 22મી ઓગસ્ટે સાયલન્ટ પ્રોટેસ્ટ કરશે, પરંતુ એના પછી પરિસ્થિતિમાં સુધારો થયો નહીં થયો તો વિકટ પરિસ્થિતિનું નિર્માણ થશે તો નવાઈ નહીં.
મધ્ય રેલવેના કારભાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે પ્રવાસીઓએ બાવીસ ઑગસ્ટના રોજ વિરોધ પ્રદર્શન યોજવાનું નક્કી કર્યું છે. પડતર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, ટ્રેન સેવા અને સુવિધાઓમાં વિલંબ, અસમયસર ટ્રેન વગેરે અનેક મુદ્દાઓ વિશે પોતાનો રોષ પ્રગટ કરવા તેમ જ પોતાની પડતર માગણીઓ પૂરી થાય એ માટે બાવીસ ઑગસ્ટે પ્રવાસીઓ સફેદ કપડા પહેરી તેના પર કાળી પટ્ટી બાંધશે.
મધ્ય રેલવેની ટ્રેનો મોટાભાગે નિર્ધારીત સમય કરતાં મોડી દોડતી હોય છે અને પ્રચંડ ગિર્દી અને વિલંબિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોના કારણે મુશ્કેલીઓ વધી છે. કલ્યાણથી આસનગાંવ સુધી ચોથી ટ્રેકના એક્સ્ટેન્શન તેમ જ કલ્યાણથી બદલાપુર ત્રીજી અને ચોથી ટ્રેકના એક્સ્ટેન્શનનો પ્રોજેક્ટ હજી સુધી પાર પડ્યો નથી.
આ પણ વાંચો: મધ્ય રેલવેમાં નવા ટાઈમટેબલની આશા ઠગારી નિવડી, હાલાકી યથાવત્
આ સિવાય સવારે-સાંજે પીક અવર્સના સમયે મેઇલ ટ્રેનના બદલે લોકલ ટ્રેનને પ્રધાન્ય આપવું, ટેક્નિકલ ખામી સર્જાય તેવા સમયે મેલ ટ્રેનો માટેની ટ્રેક પર તાત્કાલિક ધોરણે લોકલ ટ્રેન દોડાવાય તેવી અનેક માગણીઓ ઘણા સમયથી પૂરી કરવામાં આવી નથી.
આ માગણીઓ પૂરી થાય તો મધ્ય રેલવેમાં દરરોજ પ્રવાસ કરનારા લાખો પ્રવાસીઓને રોજિંદા વેઠવી પડતી મુશ્કેલીઓનો અંત આવશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને સમયસર કામે અથવા કોલેજ-સ્કૂલોમાં પહોંચવામાં થતા વિલંબની સમસ્યાનો અંત આવશે.