ઓપન સ્પેસને દત્તક આપવાની પૉલિસી સામે કૉંગ્રેસની કોર્ટમાં જવાની ચીમકી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના ખુલ્લા મેદાનો દત્તક આપવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ તૈયારી કરેલી પૉલિસી ખોટી અને બંધારણ વિરોધી છે. તેથી જો આ પૉલિસી રદ નહીં કરી કોર્ટમાં જઈશું એવી ચીમકી મુંબઈ કૉંગ્રેસે ઉચ્ચારી છે. ખુલ્લા મેદાનોની દેખરેખ અને જાળવણીનું કામ મુંબઈ મહાનગરપાલિકાએ જ કરવું એવી માગણી પણ કૉંગ્રેસે કરી છે.
તાજેતરમાં મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના ખુલ્લા મેદાનોની જાળવણીનું કામ ખાનગી સંસ્થાઓને સોંપવાનો નિર્ણય લીધો છે. તેની સામે કૉંગ્રેસે વિરોધ કર્યો છે. એ બાબતે કૉંગ્રેસે જુદી જુદી બિનસરકારી સંસ્થાઓ સાથે બેઠક પણ કરી હતી.
મુંબઈ કૉંગ્રેસ અધ્યક્ષના કહેવા મુજબ આ મુદ્દે સોમવાર, નવ ઑક્ટોબરના કૉંગ્રેસના ભૂતપૂર્વ નગરસેવકો અને પદાધિકારીઓ પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલની મુલાકાત લેવાના છે અને તેમને નિવેદન આપવાના છે. પાલિકાની પૉલિસીના કારણે અનેક પ્લોટ હાથમાંથી નીકળી જવાની શક્યતા હોવા બાબતે તેઓ કમિશનરનું પણ ધ્યાન દોરશે. પાલિકાની નીતિને કારણે અનેક પ્લોટ હડપ થવાનો ડર છે. પાલિકા જો આ પૉલિસીને રદ કરવાનો કોઈ નિર્ણય નહીં લેતો કૉંગ્રેસને નાછૂટકે કોર્ટમાં જવું પડશે એવી ચીમકી પણ કૉંગ્રેસે ઉચ્ચારી છે.