મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ-વોટિંગનો ભય
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાટો આવી રહ્યો છે. 12 જુલાઈએ થનારી દ્વિવાર્ષિક વિધાન પરિષદની ચૂંટણીમાં 11 બેઠકો માટે કુલ 12 ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા હોવાથી બધા જ રાજકીય પક્ષોને ક્રોસ-વોટિંગનો ડર સતાવી રહ્યો હોવાથી હવે વિધાનસભ્યોને માટે ડિનર મિટીંગ અને હોટલમાં રહેવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
27 જુલાઈએ 11 વિધાન પરિષદના સભ્યો નિવૃત થઈ રહ્યા છે. આ બેઠકો માટે કુલ 12 ઉમેદવાર મેદાનમાં છે અને આ મતદાનમાં મહારાષ્ટ્રના વિધાનસભ્યો મતદારો છે અને તેથી જ તેમની આગતા સ્વાગતા થઈ રહી છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી નેતા કૉંગ્રેસના વિજય વડેટ્ટીવારે ફાઈવસ્ટાર હોટેલમાં વિધાનસભ્યો માટે ગુરુવારે ડિનર પાર્ટીનું આયોજન કર્યું છે.
3બીજી તરફ શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મધ્ય મુંબઈની એક ફાઈવસ્ટાર હોટેલમાં પોતાના વિધાનસભ્યો સાથે બુધવારે રાતે ડિનર પાર્ટીનું આયોજન કર્યું છે અને ત્યાં તેઓ ચૂંટણી અંગેની ચર્ચા કરશે.
આ પણ વાંચો:ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 13થી ઘટીને 12 થયુ
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની પાર્ટીના વિધાનસભ્યોનું રોકાણ જ મુંબઈ ઉપનગરની એક ફાઈવસ્ટાર હોટેલમાં રાખવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની પાર્ટીના વિધાનસભ્યોના ચર્ચા સત્રનું આયોજન વિધાનભવન સંકુલમાં કર્યું હતું. આવી જ રીતે ભાજપના વિધાનસભ્યોનું પણ ચર્ચાસત્ર બુધવારે વિધાન ભવન સંકુલમાં કરવામાં આવ્યું હતું.
288 સભ્યોની વિધાનસભામાં અત્યારે 274 સભ્યો છે. દરેક ઉમેદવાર માટે 23 મતોનો ક્વોટા આવશ્યક છે. ભાજપ 103 સભ્યો સાથે સૌથી મોટો પક્ષ છે અને શિવસેના (38), એનસીપી (42), કૉંગ્રેસ (37), શિવસેના યુબીટી (15), એનસીપી (એસપી) 10 વિધાનસભ્યો ધરાવે છે.
અન્યોમાં બહુજન વિકાસ આઘાડીના ત્રણ, સમાજવાદી પાર્ટીના બે, એઆઈએમઆઈએમના બે, પ્રહાર જનશક્તિ પાર્ટીના બે, મનસે, સીપીઆઈ (એમ), સ્વાભિમાની પક્ષ, જનસુરાજ્ય શક્તિ પક્ષ, આરએસપી, ક્રાંતીકારી શેતકરી પક્ષ અને શેકાપના એક એક સભ્યો વિધાનસભામાં છે. આ ઉપરાંત 13 અપક્ષ સભ્યો પણ છે.
ભાજપે પાંચ ઉમેદવાર પંકજા મુંડે, યોગેશ ટિલેકર, પરિણય ફૂકે, અમિત ગોરખે, સદાભાઉ ખોતને ઉમેદવારી આપી છે. સાથી પક્ષ શિવસેનાએ ભૂતપૂર્વ સાંસદો કૃપાલ તુમાને અને ભાવના ગવળીને ઉમેદવારી આપી છે. મહાયુતિના ઘટક એનસીપીએ શિવાજીરાવ ગર્જે અને રાજેશ વિટેકરને મેદાનમાં ઉતાર્યા છે. કૉંગ્રેસે ફરી એક વખત પ્રજ્ઞા સાતવને ઉમેદવારી આપી છે. શિવસેના (યુબીટી)એ ઉદ્ધવ ઠાકરેના અંગત મદદનીશ મિલીંદ નાર્વેકરને ઉમેદવારી આપી છે. એનસીપી (એસપી)એ શેકાપના જયંત પાટીલને ટેકો જાહેર કર્યો છે.
ગયા અઠવાડિયે ઉદ્ધવ ઠાકરેએ એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે મહાવિકાસ આઘાડીના ત્રણેય ઉમેદવાર વિજયી થશે. જ્યારે તેમનું ધ્યાન દોરવામાં આવ્યું કે વિપક્ષ પાસે ત્રીજા ઉમેદવારને વિજયી બનાવવા માટે પૂરતું સંખ્યાબળ નથી ત્યારે તેમણે કહ્યું હતું કે અમારા ત્રણેય ઉમેદવાર વિજયી થવાની ખાતરી ન હોત તો અમે તેમને મેદાનમાં ઉતાર્યા જ ન હોત.
અત્યારે મહાવિકાસ આઘાડી સત્તાધારી મહાયુતિમાં સામેલ શિવસેના અને એનસીપીના મતો પર મદાર રાખી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે શરદ પવારે થોડા દિવસ પહેલાં જ એવો દાવો કર્યો હતો કે અજિત પવાર જૂથના કેટલાક વિધાનસભ્યો પાર્ટીના સંપર્કમાં છે. (પીટીઆઈ)