કોરોનાના નવા વેરિયન્ટનો હાઉ: તમામ તૈયારી સાથે સજ્જ હોવાનો પાલિકાનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ જેએન-વનના કેસમાં લક્ષણીય વધારા બાદ મુંબઈ મહાનગરપાલિકા સતર્ક થઈ છે. નવા વેરિયન્ટનો સામનો કરવા પાલિકાની તમામ હૉસ્પિટલો અને આરોગ્ય ખાતું સજ્જ હોવાનો દાવો પાલિકા પ્રશાસને કર્યો છે. હાલ મુંબઈમાં પરિસ્થિતિ નિયંત્રણમાં કોઈ ગભરાવાની જરૂરત ન હોઈ લોકોએ સતર્ક રહીને કાળજી લેવાની અપીલ પાલિકા પ્રશાસને કરી છે.
કોરોનાના વેરિયન્ટ ઓમાઈક્રોન જેએન-૧ના નવા સ્વરૂપના દેશમાં કેસમાં વધારો થયો છે. મહારાષ્ટ્રમાં જેએન-એક વેરિયન્ટનો એક કેસ નોંધાયો છે. દર્દી સિંધુદુર્ગનો ૪૧ વર્ષનો યુવક છે. તેથી તેથી પાલિકા પ્રશાસન ફરી સતર્ક થઈ ગઈ છે. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે એડવાઈઝરી બહાર પાડયા બાદ મુંબઈ મહાનગરપાલિકાએ લોકોને ગભરાઈ નહીં જતા કાળજી લેવાની સલાહ આપી છે.
પાલિકાના એડિશનલ કમિશનર સુધાકર શિંદેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે અત્યારે મુંબઈમાં પરિસ્થિતિ ચિંતાજનક નથી. છતાં દેશમાં કોરોનાના નવા વેરિયન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલારૂપે તમામ પ્રકારની તૈયારીઓ પાલિકાએ ચાલુ કરી લીધી છે. આવશ્યકતા જણાય ત્યાં કોવિડના ટેસ્ટિંગ વધારવામાં આવશે. હૉસ્પિટલમાં તમામ પ્રકારની દવાથી લઈને ઉપકરણો, ઓક્સિજન વગેરે માટે પાલિકાએ તૈયારી રાખી છે.
હાલ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવા બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે બાળકો, સિનિયર સિટિઝન અને શ્વાસોશ્વાસને લગતી બીમારીથી પીડાતા લોકોએ તકેદારી રાખવી અને તેમ જ ગીરદીવાળા વિસ્તારમાં જવા સમયે ખાસ ધ્યાન રાખવું. આગળ જતા પરિસ્થિતિ કેવી છે, તેને લઈને માસ્ક પહેવાથી લઈને અન્ય પ્રકારના કોઈ નિયંત્રણો લાદવા કે નહીં તે બાબતે નિર્ણય લઈશું એવું પણ સુધાકર શિંદેએ જણાવ્યું હતું.
આ દરમિયાન રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે પણ રાજ્યના તમામ જિલ્લામાં તમામ પ્રકારની તૈયારી રાખવાનો આદેશ આપ્યો હતો, જેમાં ઈન્ફ્લૂએન્ઝા બીમારી સહિત શ્વાસોશ્વાસના દર્દીના સર્વેક્ષણ કરવાના તેમ જ આવશ્યકતા જણાય તો કોવિડની ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. ક્વોરટાઈન કરવા માટેની સગવડથી લઈને ઓક્સિજન બેડ, આઈસીયુ બેડ, વેન્ટિલેટર બેડની સંખ્યા વધારવાની તૈયારી કરવામાં આવી રહી છે. મનુષ્ય બળ પણ વધારવામાં આવશે. કોરોનાની ટેસ્ટિંગ વધારવા માટેનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેમાં આરટી-પીસીઆર અને એન્ટીજેન ટેસ્ટનું પ્રમાણ કાયમ રાખવાની સલાહ આપી છે.
આ દરમિયાન રાજ્યના આરોગ્ય ખાતાએ આપેલા આંકડા મુજબ મંગળવારે રાજ્યમાં કોરનાના ૧૧ નવા કેસ નોંધાયા હતા, તેમાંથી આઠ મુંબઈમાં નોંધાયા હતા. તો અત્યાર સુધી ૩૫ કોરોના કેસ નોંધાયા છે, તેમાંથી ૨૭ મુંબઈના છે. મુંબઈમાં ૨૭, પુણેમાં બે, કોલ્હાપૂરમાં એક કેસ સક્રિય છે. હોમ આઈસોલેશનમાં ૨૩ દર્દી છે.