પુણેમાં કાર અકસ્માતમાં સંડોવાયેલા ટીનેજરના પિતાને તાબામાં લેવાયો:
પુણે: પુણેમાં બે જણનો ભોગ લેનારા કાર અકસ્માતમાં સંડોવાયેલા 17 વર્ષના ટીનેજરના પિતાને પોલીસે તાબામાં લીધો હતો, જ્યારે ટીનેજરને શરાબ પીરસવા બદલ હોટેલના માલિક અને બે મેનેજરની ધરપકડ કરવામાં આવી હતી. અકસ્માત બાદ ટીનેજરને તુરંત જામીન મળી જતાં ભારે ઉહાપોહ મચી ગયો હતો. આથી રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પુણે પહોંચી ગયા હતા અને ત્યાંના પોલીસ કમિશનર સાથે બેઠક યોજી હતી. રિયલ એસ્ટેટ ડેવલપરનો સગીર પુત્ર રવિવારે મળસકે પોર્શે કાર હંકારી રહ્યો હતો.
કલ્યાણીનગરમાં તેણે મોટરસાઇકલને કારની અડફેટમાં લેતાં બેનાં મોત થયાં હતાં.પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે અમે છત્રપતિ સંભાજીનગરથી આરોપીના પિતાને તાબામાં લીધો હતો અને તેને પુણે લાવવામાં આવ્યો હતો. આ કેસમાં તેની પણ ધરપકડ કરવામાં આવશે.
દરમિયાન આરોપીને શરાબ પીરસવા બદલ કોઝી રેસ્ટોરાંના માલિક પ્રહલાદ ભુટડા, મેનેજર સચિન કાટકર અને હોટેલ બ્લેક ક્લબના મેનેજર સંદીપ સાંગળેની પોલીસે ધરપકડ કરી હતી. ત્રણેયને કોર્ટમાં હાજર કરાતાં તેમને 24 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.આરોપી અને તેના મિત્રો શનિવારે રાતે 9.30થી મધરાતે 1 વાગ્યે સુધી બે બારમાં ગયા હતા, જ્યાં તેમણે દારૂ પીધો હતો. બારના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે તે દારૂ પી રહ્યો હતો. દારૂ પીધા બાદ આરોપીએ કાર હંકારી હતી. અમે આ તમામ બાબતો કોર્ટમાં રજૂ કરીશું, એમ પોલીસ કમિશનરે કહ્યું હતું.
પોલીસે આરોપીના પિતા તેમ જ બારના માલિક તથા સ્ટાફ વિરુદ્ધ જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 (સગીરની બેદરકારી) અને 77 (સગીરને દારૂ પીરસવો) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. આરોપી પાસે પ્રમાણિત ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવા છતાં તેના પિતાએ તેને કાર સોંપી હતી, જેને લઇ અન્યોનું જીવન ખતરામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે કેટલાક મિત્રો રવિવારે મળસકે મોટરસાઇકલ પર આવી રહ્યા હતા ત્યારે પોર્શે કાર હંકારી રહેલા આરોપીએ કલ્યાણી નગર ખાતે એક મોટરસાઇકલને અડફેટમાં લીધી હતી, જેમાં આઇટી પ્રોફેશનલ અનિસ અવધિયા (24) અને અશ્ર્વિની કોસ્ટા (24)નાં મોત થયાં હતાં. બંને જણ મધ્ય પ્રદેશના વતની હતાં.આ અકસ્માત બાદ આરોપીને જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં અમુક શરતો પર તેના જામીન મંજૂર કરાયા હતા. આરોપીને આરટીઓમાં જવા, ટ્રાફિકના નિયમોનો અભ્યાસ કરવા અને પંદર દિવસમાં બોર્ડ સમક્ષ રજૂઆત કરવાના નિર્દેશ અપાયા હતા. ઉપરાંત માર્ગ અકસ્માત અને તેના સમાધાન પર 300 શબ્દમાં નિબંધ લખવાની તેને સજા અપાઇ હતી. (પીટીઆઇ)