સગીર પુત્રી પર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાતાં પિતાએ ધસમસતી ટ્રેન સામે ઝંપલાવ્યું
થાણે: બદલાપુરમાં 11 વર્ષની પુત્રી સાથે કથિત દુષ્કર્મ કરવાના આરોપસર ગુનો નોંધાતાં જ ગણતરીના કલાકોમાં પિતાએ ધસમસતી ટ્રેન સામે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
સિનિયર ઈન્સ્પેક્ટર અરુણ ક્ષીરસાગરે રવિવારે જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ 26 ઑક્ટોબરે ગુનો નોંધાયો હતો. પોલીસ ફરિયાદની જાણ થતાં જ આરોપી ફરાર થઈ ગયો હતો અને એ જ રાતે તેનો મૃતદેહ રેલવેના પાટા પરથી મળી આવ્યો હતો.
રિક્ષા ડ્રાઈવર આરોપી તેની પુત્રી સાથે બદલાપુરમાં રહેતો હતો. આરોપીની પત્ની છેલ્લાં બે વર્ષથી દુબઈમાં નોકરી કરે છે.
જુલાઈ, 2022થી આ વર્ષના ઑક્ટોબર દરમિયાન આરોપીએ સગીર પુત્રી સાથે વારંવાર કથિત દુષ્કર્મ કર્યું હતું. પિતા દ્વારા કરાતા જાતીય શોષણની વાત તાજેતરમાં સગીરાએ દાદીને કહી હતી. થોડા દિવસ અગાઉ ભારત પાછી આવેલી સગીરાની માતાને પણ આ અંગે જાણ કરાઈ હતી.
ફરિયાદને આધારે બદલાપુર પોલીસે ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટની જોગવાઈ હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ફરિયાદ નોંધાતાં જ આરોપી ગુમ થઈ ગયો હતો. પોલીસે તેની શોધ હાથ ધરી હતી. જોકે એ જ રાતે તેનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. ટ્રેન સામે કૂદકો મારી આરોપીએ કથિત આત્મહત્યા કરી હોવાનું પોલીસનું કહેવું છે. આ પ્રકરણે રેલવે પોલીસે એડીઆર નોંધ્યો હતો. (પીટીઆઈ)